26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદન સમારોહ માટે સમગ્ર રાજ્યમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જાળેશ્વર પાલડી મુકામે થવાનો છે.
આ સમારોહમાં કોઈપણ જાતની કચાશ ન રહી જાય અને હરહંમેશની જેમ આ સમારોહ પણ યાદગાર બની રહે તેમજ તમામ પ્રોટોકોલનું પાલન થાય તે માટે જિલ્લા સેવા સદન ખાતે કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને કરવાની થતી કામગીરીઓ સંલગ્ન અધિકારીઓને સોંપવામાં આવી હતી. 26મી જાન્યુઆરીની આ વર્ષની પાટણ જિલ્લા કક્ષાની ઉજવણી જાળેશ્વર પાલડી મુકામે રાખવામાં આવી છે. કલેકટર દ્વારા બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં કાર્યક્રમના સંકલનથી લઈને સ્થળ પરની સાફ સફાઈ, સુશોભન, ટેબલો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે સુધીની વ્યવસ્થાઓ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
પ્રજાસત્તાક દિને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને પોલીસ પરેડ સુીધના વિવિધ કાર્યક્રમો થવાના છે તે માટે સ્થળ પર તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા માટે કલેકટરે અધિકારીઓને સૂચન કર્યું હતું. મહેમાનોની બેઠક વ્યવસ્થા, ઈનામ પ્રમાણપત્રો વિતરણ, રંગરોગાન, સજાવટ, લાઈટીંગ, સાઉન્ડ સિસ્ટમ, વિજળીની વ્યવસ્થા, મેડિકલ ટીમો વગેરે જેવી તમામ વ્યવસ્થાઓ કરવા માટે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું.