ચાણસ્મા તાલુકાના રામગઢ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં કોઈ યુવકે ઝંપલાવ્યું હોવાની આશંકાએ વહીવટી તંત્ર અને ફાયર વિભાગે યુવકની કેનાલમાં શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામનો 29 વર્ષીય યુવક બુધવારે બપોરે ઘરેથી તેના માતા પિતા પાસે વારાહી જવાનું કહી નીકળ્યો હતો પરંતું ત્યાં પહોંચ્યો નહોતો બીજી તરફ તેનું બાઈક ચાણસ્માના રામગઢ પાસેથી પસાર થતી કેનાલ નજીક પડયું હોય પરિવારજનોને કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા જતા કેનાલમાં સ્થાનિક તરવૈયાઓ અને પાટણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી છે.ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે પોતાના દાદા દાદી સાથે રહેતો આનંદ નારણભાઈ પટેલ તેના પિતા વારાહી ખાતે શિક્ષક હોવાથી તેઓ ત્યાં રહેતા હતા હોવાથી બુધવારે બપોરના સુમારે આનંદ તેના માતાપિતા પાસે જવાનું કહી બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. જ્યારે બપોરના સમયે ત્યાંથી પસાર થતા લોકોને બાઈક કેનાલ પાસે પડેલ હોવાનું નજરે પડતા તેમણે ગામમાં જાણ કરતા લોકો દોડી આવી બાઈકની તપાસ કરતા બાઈક આનંદનું હોવાનું જણાતા લોકોએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યકત કરી હતી અને શોધખોળ આદરી હતી ત્યારબાદ પાટણ ફાયર વિભાગને જાણ કરતા ટીમ રામગઢ ખાતે આવી અને વહેલી સવારથી જ બોટ મારફતે શોધખોળ આદરી હતી. જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કેનાલમાંથી ફાયર વિભાગને કશું હાથ લાગ્યું નથી જેથી કેનાલમાં ઝંપલાવનાર યુવક આનંદ જ હતો કે અન્ય કોઈ હતો તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું.
આનંદ એકનો એક પુત્ર : પિતાનો વલોપાત
કેનાલમાં ઝંપલાવ્યાની જેના પર શંકા છે તે ખોરસમ ગામનો આનંદ પટેલ તેના માતાપિતાનો એક માત્ર સંતાન છે અને પિતા વારાહી ખાતે શિક્ષક હોવાથી બંને દંપતી ત્યાં રહેતા હોય આનંદ દાદા દાદી સાથે વતન ખોરસમ રહે છે. બુધવારે આનંદ પિતા પાસે વારાહી જવાનું કહીને બાઈક લઈને નીકળ્યો હતો જે બાદ તેનું બાઈક કેનાલ નજીકથી મળી આવ્યું હતું અને તે પોતે પણ પિતા પાસે પહોંચ્યો નહોતો જેથી કેનાલમાં ઝંપલાવનાર આનંદ હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
એન્જિનિયર આનંદ નોકરીની શોધમાં હતો
કેનાલ પર કેટલાક હાજર લોકો ચર્ચા કરી રહ્યા હતા કે આનંદ એન્જિનિયરીંગનો ઉચ્ચ અભ્યાસ કરેલો હોય કેટલાક સમયથી તે નોકરીની શોધખોળમાં હતો જેના ડિપ્રેશનમાં આવીને પણ આ પગલું ભર્યું હોય તેવી પણ ચર્ચા કરતા લોકો નજરે પડયા હતા. જો કે આ વાતની સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી.