પાટણ જિલ્લામાં આવેલ આનંદ સરોવર ખાતે ખેડુતો એકઠા થયા હતા. પાટણનાં આનંદ સરોવર ખાતે ખેડુતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ જય જવાન જય કિસાનનાં નારા લગાવ્યા. ખેડૂતો પાવરગ્રીડ વિજ કંપનીના વિરોધમાં એકઠા થયા હતા.
પાવરગ્રીડ વિજ કંપની દ્વારા ચાલતી કામગીરીમાં કપાતમાં જતી પોતાના ખેતરોની જમીનનું યોગ્ય વળતર આપવાની માગ સાથે ખેડૂતોએ 2017ના જમીન સંપાદનના કાયદા હેઠળ વળતર આપવાની માંગણી કરી હતી. ખેડૂતો ઉપર કરવામાં આવેલ પોલીસ કેસ પરત લેવા માગ કરવામાં આવી. પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓએ ખેડૂતોના ખેતરોમાં પ્રવેશવુ નહીં તે પ્રકારનું બંધારણ કરવામાં આવ્યું. જો આવનાર સમયમાં ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો 15 જિલ્લાના ખેડૂતો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરીશું: ખેડૂત આગેવાન
આ મુદ્દે ખેડૂત આગેવાન મનુભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, અમારું આ આંદોલન વળતર માટેનું છે. અમારા ખેતરમાંથી વીજ લાઈન નીકળતી હોય તો વળતર ચુકવવું જોઈએ. અગાઉ 2017માં સમગ્ર તાલુકાનનું 730 રૂપિયા વળતર આપવામાં આવ્યું હતું. જંત્રી ઓછી હોય કે વધુ હોય દરેકને 730 રૂપિયા લેખે વળતર આપવામાં આવ્યું હતું. હાલમાં કલેક્ટર દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે જેમાં મને માત્ર 330 રૂપિયા વળતર મળે છે. એટલે અડધા કરતા પણ નીચુ વળતર મળે છે. એક બાજુ સરકાર એમ કહે છે કે અમે જંત્રી ડબલ કરી છે અને જંત્રી મુજબ વળતર આપીએ છીએ તો અગાઉ કરતા વળતર ઘટ્યું કેમ. જો 200 ટકા વળતર આપતા હોય અને જંત્રી ડબલ કરી હોય તો પહેલા કરતા આ વખતે વળતર અડધા કરતા પણ ઓછું કેમ. જો ડબલ વળતર આપતા હોય તો 1200 થી 1500 રૂપિયા વળતર થવું જોઈએ એની જગ્યાએ 300 રૂપિયા વળતર કેવી રીતે થયું. એટલે એ વખતે જમીનની કિંમત નક્કી કરી ચાર ઘણાં પૈસા કરવાની જે સિસ્ટમ હતી એ રીતે કરીને વળતર આપવામાં આવ્યું હતું. એટલે અમારા સરકાર પાસે માંગણી છે કે 2017માં જે નિયમ હતો એ મુજબ વળતર આપવાનું નક્કી કરવું જોઈએ. તેમજ આટલા વર્ષો પછી વળતર ચુકવવાનું થતું હોય 10 ટકા વળતર વધારીને અમને વળતર આપવું જોઈએ. અને જો અમારા માંગણી નહીં સ્વીકારાય તો 15 જિલ્લાના ખેડૂતો ભેગા થઈને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરીશું.