પાટણમાં બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો થયો છે અને બાળ તસ્કરી કેસમાં વધુ બે નામ સામે આવ્યા છે. બાળ તસ્કરી મામલો બનાસકાંઠાના પાટણથી હવે કરછના આડેસર સુધી પહોંચ્યો છે અને સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર, રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં વધુ બે નવા નામ સામે આવ્યા છે.
નરેશ દેસાઈ બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો
બાળ તસ્કરી કેસમાં નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ ખુલ્યું છે. નરેશ દેસાઈ બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો અને ધીરેન ઠાકોર પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. બંને આરોપીની SOGએ અટકાયત કરી વધુ તપાસ શરુ કરી છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં નવા નામ સામે આવ્યા છે.
ગઈકાલે રૂપસંગજી ઠાકોરની કરી હતી અટકાયત
તમને જણાવી દઈએ કે ગઈકાલે પોલીસે બાળક વેચાણના મુદ્દે ત્રીજા આરોપી રૂપસંગજી ઠાકોરની પણ અટકાયત કરી હતી. થરાની સહકાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસંગજી ઠાકોરની અટકાયત કરી હતી. SOG પોલીસે ગઈકાલે રૂપસંગજીને બાળ તસ્કરીના કેસમાં અટકાયત કરી હતી. બાળ તસ્કરી કેસમાં અટકાયતના 24 કલાક બાદ રૂપસંગજીને કોર્ટમાં રજુ કર્યો હતો અને SOG પોલીસે રૂપસંગજીના રિમાન્ડની માગણી કરી છે. ત્યારે પાટણ કોર્ટ દ્વારા રૂપસંગજીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને સાથે જ બાળકના માતા પિતા કોણ છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે અગાઉ પાટણમાં બાળ તસ્કરી કેસમાં અન્ય આરોપીઓના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપી સુરેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરી હતી. SOG પોલીસે 5 દિવસ રિમાન્ડ દરમ્યાન આરોપીની પૂછપરછ કરી હતી. બીજી તરફ પાટણના ચકચારી બાળ તસ્કરી કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. બાળ તસ્કરીમાં વધુ એક મહિલાની ભૂમિકા સામે આવી હતી. સુરેશ ઠાકોર બાદ વધુ એક મહિલાની ભૂમિકા સામે આવી હતી. શિલ્પા ઠાકોરે સુરેશ ઠાકોરને મદદ કર્યાનું ખુલ્યું હતું. શિલ્પા ઠાકોર પણ બાળ તસ્કરીમાં સામેલ હોવાનું ખુલ્યું હતું.