પાટણ નગરપાલિકા પ્રમુખના વિસ્તારમાં આવેલા વોર્ડ નં.11માં ચાણસ્મા હાઈવે પરની શ્યામ વિલાસ સોસાયટી છેલ્લા ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં પ્રેશરથી પાણી મળતું ન હતું જેની વારંવાર રજૂઆત સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને કરવામાં આવી હતી તેમ છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો.
પરંતુ અચાનક જ શ્યામ વિલાસ સોસાયટીની તરફ પાણીનું વહન કરતી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાટણ નગરપાલિકા વોટર વર્કસ શાખાની ટીમ પંચર કરવા માટે આવી પહોંચી હતી ત્યારે આજ ચારની લાઈનમાંથી અઢીના કનેકશન સાથે પાણીનું ભૂતિયું કનેકશન જોડાણ કરેલું હતું. જેથી ચારની લાઈનમાં આવતું પાણી અઢીના કનેકશન તરફ વહી જતું હતું. જેના કારણે શ્યામ વિલાસ સોસાયટીના રહીશોને પૂરતા પ્રમાણમાં પ્રેશરથી પાણી મળતું ન હતું. આ પાણીનું ભૂતિયુ કનેકશન પાટણ નગરપાલિકા દ્વારા કાપી નાખવામાં આવ્યું છે પરંતુ આવા ભૂતિયા કનેકશન કાપીને સંતોષ ન માવો જોઈએ આ કોનું કનેકશન છે ક્યારે લેવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ તપાસ કરીને આવા ભૂતિયા કનેકશન મેળવવાવાળ લોકોને નોટીસ આપી દંડકીય કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જેથી કરીને આવા ભૂતિયા કનેકશન લેતા લોકોમાં ડર ઉત્પન્ન થવો જોઈએ અને જે લોકો ખરેખર નગરપાલિકાનો ટેકસ ભરે છે તેવા લોકોને પૂરતા પ્રમાણમાં પ્રેશરથી પાણી મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા સામૂહિક ઝુંબેશ ઉપાડી આવા તમામ ભૂતિયા કનેકશનો રદ કરવી દેવા જોઈએ અને પાટણ નગરપાલિકામાં જે લોકો ટેકસ ભરે છે તેવા લોકોને પૂરતા પ્રમાણમાં પ્રેસરથી પાણી મળી રહે તેવા પ્રયત્નો પાટણ નગરપાલિકા દ્વારા હાથ ધરવા જોઈએ.
શહેરના નગરપાલિકાના તમામ ટેકસ ભરતા લોકોને નગરપાલિકા દ્વારા સ્વચ્છતા, પાણી, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટલાઈટ જેવી જીવન જરૂરિયાત સેવાઓ ઝડપથી મળી રહેવી જોઈએ તેવા પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવા જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે.
પાલિકાની જ લાઈન છેઃ કર્મચારી
આ અંગે નગરપાલિકાના વોટર વર્કસ શાખાના કર્મચારી ભરતભાઈ મોદીએ જણાવ્યું હતું કે, શ્યામ વિલાસ સોસાયટી પાસે ખોદકામ સમયે જે કનેકશન મળ્યું હતું તે ભૂતિયા કનેકશન નથી.નગરપાલિકાની જુની પોપટીયાપરા વિસ્તાર તરફ જતી ત્રણની લાઈન છે જેને કાપી દેવામાં આવી છે ત્યારે કાલે ખબર પડશે કે આ લાઈન કાપવાથી કોના કનેકશન બંધ થયા છે.