પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા વિસ્તારમાં સોના જેવા મોંઘા મુલા જીરાના પાકનું ખુબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતો વધુ આવક મેળવવા માટે દેવું કરીને અને ઘરના ઘરેણા વેચીને કે વ્યાજે રૂપિયા લાવીને પણ જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે, આ વર્ષે પણ મોટાભાગના ખેડૂતોએ જીરાના પાકનું વાવેતર કરેલું છે, પરંતુ સાંતલપુર તાલુકાના ડાલરી ગામના ખેડૂતો પર કુદરતી નહીં, પરંતુ કુત્રિમ મુસીબત ના કારણે રોવાનો વારો આવ્યો છે.
જંતુનાશક દવા લગાવ્યા બાદ પાક બળીને થયો ખાખ
ડાલરી ગામના ખેડૂતોએ રાધનપુરથી એગ્રોની દુકાનેથી જંતુનાશક દવા જેવી જીરાના પાક પર લગાવી કે પાંચ દિવસના અંદર જીરાનો પાક બળીને ખાખ થઈ ગયો અને જયારે એગ્રો અધિકારીને આ વાતની ફરિયાદ કરી ત્યારે ઉલ્ટા ના ખેડૂતોને એગ્રોના અધિકારીએ 1100 કરોડનો માનહાનીનો દાવો કરવાની ધમકી આપી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં જીરાના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે, ત્યારે સતત વાતાવરણમાં પલટાને લઈ જીરાના પાકમાં ચૂસીયા પ્રકારનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા.
ખેડૂતોને થયેલી નુકસાનીનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માગ
ત્યારે ડાલડી ગામના કેટલાક ખેડૂતોએ રોગને દૂર કરવા રાધનપુર એગ્રો ખાતેથી જંતુનાશક દવા લાવી છંટકાવ કર્યો હતો, બાદમાં જીરાનો પાક કાળો પડી જતા અને છોડ પરની ફાળ કાળી પડી જતા ખેડૂતોને મોટી નુકશાની થવા પામી છે. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ભારે રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતો પાટણ ખેતીવાડી વિભાગ ખાતે આવેદન પત્ર આપી રાધનપુર એગ્રો સામે તપાસ કરી કાર્યવાહી કરી ખેડૂતોની નુકશાનીનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માગ કરી હતી તો બીજી તરફ રાધનપુર એગ્રોના સંચાલકનો એ મામલે ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ એ બાબતે કાંઈ પણ બોલવા તૈયાર નથી તેમ જણાવ્યું હતું તો જંતુનાશક દવાના છંટકાવને લઈ ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.