પાટણના ખારેડા ગામમાં ઠાકોર સમાજની દીકરીનો વાજતે-ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો. ખારેડા ગામમાં ઠાકોર સમાજની દીકરીએ પરિવાર તથા ગામનું ગૌરવ વધાર્યુ. દીકરીએ એવું કામ કર્યું કે લોકોએ હરખઘેલા થઈ ગામમાં વરઘોડો કાઢયો.
BSFમાં ખુશીની પસંદગી
ખારેડા ગામની ઠાકોર સમાજની દીકરીએ પણ કાઠું કાઢ્યું. ગામની પહેલી દીકરી દેશની સુરક્ષામાં લાગતા ગામમાં વરઘોડો નીકળ્યો. ઠાકોર સમાજની દીકરી ખુશીની BSFમાં પસંદગી થઈ. અને હવે BSFની ટ્રેનિંગ માટે ગ્વાલિયર જશે. ખુશી ગ્વાલિયર જવા રવાના થતી હતી ત્યારે આખું ગામ ભેગું થયું હતું. પરિવારના લોકોએ તેને વિદાય કરતાં તિલક કર્યું અને પછી મોટી ગાડીમાં વાજતે-ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો.આ વરઘોડોમાં આખું ગામ ઉમટી પડ્યું હતું અને ઢોલ નગારા સાથે દીકરીને વિદાય કરી.
વરઘોડો કાઢવામાં આવ્યો
સામાન્ય રીતે લગ્ન થતા હોય ત્યારે વરરાજાનો વરઘોડો કાઢવાની આપણે ત્યાં પરંપરા છે. પરંતુ આજે ગામના લોકોએ દીકરીનો વરઘોડો કાઢી સાબિત કર્યું કે આજે દીકરો અને દીકરી સમાન છે. ઠાકોર સમાજની દીકરીએ એવું કામ કર્યું કે ગામના લોકો ઉત્સાહ અને આનંદઘેલા થયા. આજે તમામ ક્ષેત્રોમાં મહીલાઓ પોતાનું કૌશલ્ય બતાવી રહી છે. પાટણમાં ઠાકોર સમાજની દીકરી ખુશીની BSFમાં પસંદગી થતા વરઘોડો કાઢવામાં આવ્યો.
BSF દેશની સુરક્ષાની જવાબદારી
BSF દેશની બોર્ડરની સુરક્ષાની જવાબદારી નિભાવે છે. BSFમાં હવે યુવાનો ઉપરાંત યુવતીઓ પણ ઉત્સાહથી જોડાઈ રહી છે. ગુજરાતની પ્રજાને વેપારી કહેવામાં આવે છે. મોટાભાગના યુવાનો નોકરી અને વેપાર કરતા હોવાની છાપ છે. પરંતુ હવે ધીરે-ધીરે ગુજરાતીઓ પણ પોલીસ સેવા અને BSFમાં જોડાવા લાગ્યા છે. ત્યારે શહેરના યુવાનો અને યુવતીઓને પાછળ છોડી ખારેડા ગામની યુવતી BSFમાં પસંદગી થતાં ટ્રેનિંગ માટે ગ્વાલિયર જઈ રહી છે. ખુશી નાનપણથી જ દેશની સુરક્ષામાં જવા માંગતી હતી. આખરે ઠાકોર સમાજની દીકરી ખુશીનું સપનું પૂર્ણ થયું. ઠાકોર સમાજની દીકરીએ પરિવાર, ગામ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું.