- મઘાસર જીઆઈડીસીમાં વિદેશી દારુનું ગોડાઉન ઝડપાયું
- રાજસ્થાનથી દારુનો મોટો જથ્થો મંગાવવામાં આવતો હતો
- પોલીસે છોટા હાથી, એક કન્ટેનર, બાઈક જપ્ત કર્યું
પંચમહાલમાંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયુ છે. પંચમહાલની મઘાસર જીઆઈડીસીમાંથી આ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું છે. રાજસ્થાન સહિતના અન્ય પાડોશી રાજ્યમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી વેપલો કરવામાં આવતો હતો.
અંદાજીત 1000થી વધુ પેટી દારુ હોવાની આશંકા
ત્યારે હાલોલ રૂરલ પોલીસે રેડ કરીને GIDCમાં બંધ ફેકટરીની આડમાં દારૂના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે અને અંદાજીત 1000 પેટી કરતા વધુ અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો હોવાની આશંકા છે. દારૂના જથ્થાનો સંગ્રહ કરીને તેને હાલોલ અને વડોદરા સહિત આસપાસના ડીલર સ્પોટ પર મોકલાતો હતો. ત્યારે વર્ષોથી સુવ્યવસ્થિત રીતે દારૂની સંગ્રહખોરી અને વેપલાનું કૌભાંડ ચાલતુ હતું.
પોલીસને જોઈને કેટલાક આરોપીઓ નાસી છૂટ્યા
પોલીસે છાપો મારી દારૂના જથ્થા સહિત એક છોટા હાથી, એક કન્ટેનર, બાઈક સાથે બે આરોપીની ધરપકડ કરી લીધી છે અને અન્ય કેટલાક આરોપીઓ પોલીસને જોઈને જગ્યા છોડીને નાસી છૂટ્યા હતા. ત્યારે ઝડપાયેલા બંને આરોપી રાજસ્થાનથી દારુ લાવેલા વાહનોના ડ્રાઈવર છે.
કોડીનારમાં દેશી અને વિદેશી દારુ ઝડપાયો હતો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં છેલ્લા ઘણાં સમયથી ઈંગ્લિશ અને દેશી દારૂના વેચાણ અંગે ફરિયાદી ઉઠી રહી હતી, ત્યારે અંતે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, 4 પી.આઈ, 6 પી.એસ.આઈ સહિતના જિલ્લાભરના 100 પોલીસ કર્મીઓની 10 ટીમો બનાવી, 98 જગ્યાએ વહેલી સવારે રેડ કરી 13 જગ્યાએથી દેશી અને 1 જગ્યાએથી ઈંગ્લિશ દારૂ પકડાયો હતો. 275 લીટર દેશી દારૂ અને રૂપિયા 4800ની કિંમતનો ઈંગ્લિશ દારૂ પકડ્યો હતો. જ્યારે અંદાજે 1055 લીટર જેટલો દેશી દારૂનો આથો સ્થળ ઉપર પડેલો હોય, તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં પોલીસના દરોડાથી દારૂ વેચનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
જૂનાગઢમાં રૂપિયા 15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ જૂનાગઢમાં રૂપિયા 15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. ઘાસચારાની આડમાં વિદેશી દારૂ લાવતા ઝડપાયો હતો. દારૂનો વેપલો કરતા લોકોએ ટ્રેક્ટરમાં સંતાડીને વિદેશી દારુ લાવતા હતા અને મેંદરડા નજીક મુદ્દામાલ મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી છે.