પંચમહાલના હાલોલમાં મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં એક મહિલા કાટમાળ નીચે દબાઈ ગઈ હતી અને મહિલાને મોટી ઈજાઓ પણ પહોંચી છે. શહેરના સાથરોટા રોડ પાસે આવેલી શ્રદ્ધા રેસીડેન્સીમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે.
મહિલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી
ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે 6 મહિના પહેલા જ આ નવું મકાન લીધું હતું અને તે મકાનની દીવાલ ધરાશાયી થઈ છે. જો કે હાલમાં મહિલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલાને બંને હાથના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું અનુમાન છે અને મોઢાના ભાગે થોડી ઈજાઓ પહોંચી છે. ત્યારે મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બનતા જ આસપાસમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.
વડોદરાના બાજવાડામાં જર્જરિત મકાન ધરાશાયી
વડોદરાના બાજવાડામાં પણ એક જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થવાની ઘટના બની હતી. મકાન ધરાશાયી થતાં આસપાસના લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. મકાન ધરાશાયી થયું તેમાં એક યુવાન દબાયો હતો જેને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બહાર કાઢયો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ મકાન 55 વર્ષ જુનુ હતુ, 3 માળ સુધી અંદરના ભાગેથી મકાન ધરાશાયી થયું હતુ અને બે લોકોનો બચાવ પણ થયો હતો. જો કે મોટી જાનહાની ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વનું છે કે આટલું જુનુ મકાન હતું તો છતાં પણ કોર્પોરેશને કેમ અત્યાર સુધી તેને ઉતાર્યું નહીં તે પણ એક સવાલ છે.
દાહોદના ઝાલોદના ખરવાણી ગામે દિવાલ ધરાશાયી થતાં 2 બાળકીના થયા મોત
થોડા દિવસ અગાઉ જ દાહોદના ઝાલોદના ખરવાણી ગામે પણ દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં બે બાળકીના મોત થયા હતા તો પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે અચાનક દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી તો પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.