ફાગણ માસમાં ખાખરાના વૃક્ષ ઉપર આવતાં ફૂલને કેસુડો એટલે કે પલાસ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. કેસુડો ઔષધિય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. રંગોના પર્વ હોળી ધુળેટી પૂર્વે કેસુડો પૂરબહારમાં ખીલી ઉઠતો હોય છે.
પથ્થર,પાણી અને કુદરતી વનરાજી ધરાવતાં પંચમહાલ જિલ્લામાં હાલ કેસુડો જ્યાં નજર કરો ત્યાં કેસરી રંગના પુષ્પો સ્વરૂપે ખીલી ઉઠયો છે. ત્યારે આગામી હોળી ધુળેટી પર્વમાં કેસૂડોના પુષ્પો થકી ઉજવણી કરી ચામડી અને આંખ ને થતાં નુકશાનથી બચવા જાણકારોએ સૌને અપીલ કરી છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લામાં વર્ષો અગાઉ ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગે જમવા માટે પતરાળાનો ઉપયોગ થતો હતો જે. ખાખરાના વૃક્ષના પાન માંથી બનાવવામાં આવતાં હતાં. જોકે હાલ બદલાતાં સમય સાથે આ પ્રાકૃતિક પરંપરા વિસરાઈ ને પ્લાસ્ટિક,થર્મોકોલ અને કાગળની ડિશોએ સ્થાન લીધું છે.આ જ ખાખરાના વૃક્ષ ઉપર ફાગણ માસમાં આવતાં પુષ્પ ને કેસૂડા તરીકે ઓળખવામાં આવે છે.ઉલ્લેખનીય છેકે ગ્રામ્ય વિસ્તારોમાં કેસૂડા નું હાલ કોઈ મૂલ્ય નથી એમ કહેવું અતિશયોક્તિ નથી.પરંતુ હવે પ્રાકૃતિક ખેતી કરતાં જાગૃત ખેડૂતોએ બજાર સુધી કેસૂડાના પુષ્પ પહોંચે એવા આશય સાથે વેચાણ શરૂ કર્યુ છે.