પંચમહાલના ગોધરામાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે જેમા છેલ્લા 2 દિવસથી કપિરાજે આખા ગોધરાને માથે લીધુ છે,અને કપિરાજના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે,લોકો રસ્તા પરથી બહાર નીકળતા ડરી રહ્યાં છે,તેમજ સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં દેખી શકાય છે કે કપિરાજ રોડ પર જઈ રહેલા લોકો પર હુમલો કરી રહ્યો છે અને વાહનની પાછળ દોડી રહ્યો છે.
કપિરાજના આતંકથી લોકોમાં ભય ફેલાયો
કપિરાજનો આતંક કોઈ એક વિસ્તાર પૂરતો નથી પરંતુ અલગ-અલગ વિસ્તારમાં આતંક મચાવી રહ્યો છે.સોનિવાડ વિસ્તારમાં રાહદારીઓ પર હુમલો કર્યો છે સાથે સાથે ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે કપિરાજે આતંક મચાવ્યો હતો.સ્થાનિકોએ વન વિભાગને આ બાબતે જાણ કરી છે પરંતુ કપિરાજ હજી પાંજરે પૂરાયો નથી.લોકોનું કહેવું છે કે વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવે અને કપિરાજને જલદીથી ઝડપી લેવામાં આવે.
6થી વધુ લોકોને ભર્યા બચકા
ગોધરા શહેરના સાવલીવાડા સહીત તેલંગ હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ શિક્ષણાધિકારીની કચેરી પાસે હડકાયા કપિરાજે આંતક મચાવ્યો હતો. બુધવારે કપીરાજે બે વ્યક્તિઓને બચકા ભરતા શિક્ષણ વિભાગે વન વિભાગને રજુઆત કરતા કપિરાજને પકડવા પાંજરા મુકયા હતા. પણ કપિરાજ પાંજરામાં પુરાયો ન હતો. હડકાયા કપિરાજે સાવલીવાડ વિસ્તારમાં આંતક મચાવ્યો હતો. 6થી વધુ લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કરી ઘાયલ કર્યા હતા.
ગન મારીને બેભાન કરવો પડે
સ્થાનિકોનું કહેવું છે કે કપિરાજને ગન વડે ગોળી મારી બેભાન કરવામાં આવે અને ત્યારબાદ જો ઝડપી લેવામાં આવે તો સારૂ છે,લોકો પર ગમે ત્યાંથી આવીને હુમલો કરે છે,તો વન વિભાગે પણ પાંજરૂ ગોઠવ્યું છે પરતું કપિરાજ હજી પાંજરે પૂરાયો નથી,વન વિભાગની અલગ-અલગ ટીમ કપિરાજને પકડવા માટે કામે લાગી છે.લોકો હવે એક જ આશ લઈને બેઠા છે કે કપિરાજ જલદીથી પાંજરે પૂરાય અને લોકોને રાહત મળે.