જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં તમામ રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો મતદારોને મનાવવા માટે પ્રયાસો કરી રહી છે.ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં આવતા સ્થાનિકોમાં ભારોભાર રોષ ફેલાયો છે. સ્થાનિકો ઘણા સમયથી પાણી અને રસ્તાની સમસ્યાથી પરેશાન છે. લોકોએ અનેક વખત જરૂરી સામાન્ય સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્રને અપીલ કરી હતી. છતાં પણ કોઈ કાર્યવાહી ના થઈ, અને હવે ચૂંટણી આવતા ઉમેદવારો વાયદાઓનું બિગુલ બજાવી રહ્યા છે ત્યારે લોકો રોષે ભરાતા વોટ માંગતા ઉમેદવારોને સમસ્યાને લઈને સવાલ કરી રહ્યા છે.
સુવિધાથી વંચિત સ્થાનિકોમાં રોષ
જૂનાગઢમાં મહાનગરપાલિકા બન્યા તેને 22 વર્ષ પૂર્ણ થવા છતાં પણ હજુ મહાનગરપાલિકાની કોઈપણ સુવિધા સ્થાનિકોને મળતી નથી. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં છેલ્લા ત્રણ વર્ષથી રસ્તાનું કામ ચાલી રહ્યું છે. એક પછી એક યોજનાઓ અંતર્ગત રસ્તા માત્ર ગણતરીના દિવસોમાં જ તોડી નાખવામાં આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે છેલ્લા ત્રણ વર્ષથી આ પરિસ્થિતિનો સામનો વોર્ડ વાસીઓ કરી રહ્યા છે અને અવારનવાર મતદારો દ્વારા સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરવા છતાં કોઈ ફરકતું પણ નથી.આ વિસ્તારમાં ઘણા લોકો તેમના કોર્પોરેટર કોણ છે? તેની પણ જાણ નથી ત્યારે આ પરિસ્થિતિનો સામનો કરતા મતદારોએ રોષ વ્યક્ત કરીને મતદાન ન કરવા માટેનું મન બનાવી લીધું છે…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જુનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ ઉમેદવાર વચ્ચે સંર્ઘષ થશે. જુનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પર ભાજપે 13 ઉમેદવારોને રિપીટ કર્યા છે.અન્ય પાંચ વોર્ડમાં જે ઉમેદવારો છેલ્લે શાસકમાં હતા, તેની જગ્યાએ તેમના પરિવારજનોને ટિકિટ આપવામાં આવી છે અને બાકીના વોર્ડમાં નવા ચહેરાને સ્થાન આપ્યું છે.
રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રસંગોપાત ખાલી પહેલી બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે છ કલાક સુધીનો રહેશે.