- પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં ફફડાટ
- આવાસ યોજનાની બાજુમાં આવેલ ભંગારના ગોડાઉન તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાલી કરાવાયાં
- ભંગારના ગોડાઉન ખેતીલાયક જમીનમાં હોવાનું ગણાતા તાત્કાલિક ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ
પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં બનાવેલ રાજીવ આવાસ યોજનામાં રહેતા લોકોને હવામાં આવતા કથિત ઝેરી વાયુના કારણે શ્વાસના લેવામાં તકલીફ અને ખાંસી આવતી હોવાના કારણે હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા હતા. જેમાં રવિવારે વધુ પાંચ વ્યક્તિઓને શ્વાસની તકલીફ થતા સારવાર માટે ખસેડાયા હતા. દરમિયાન બાજુમાં આવેલ ભંગારના ગોડાઉનમાંથી ઝેરી વાયુ આવતો હોવાની ફરિયાદ ઉઠતા તપાસ કરતા ભંગારના ગોડાઉન ખેતીલાયક જમીનમાં હોવાનું ગણાતા તે જમીન પરના ગોડાઉન ખાલી કરવા આદેશ કરતા તાત્કાલિક અસરથી ગોડાઉન ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ બાબતે સુત્રો દ્વારા માહિતી અનુસાર માલણ દરવાજા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાંથી આવતા ઝેરી વાયુના કારણે 100થી વધુ લોકોને અસર થઈ હતી અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા જોકે મોટા ભાગના લોકોને ઓપીડી સારવાર બાદ રજા આપવામાં આવી હતી. દરમિયાન રવિવારે વધુ પાંચ લોકોને તકલીફ થતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. જે અંગે ઉચ્ચસ્તરીય ફરિયાદ કરતા પ્રાંત અધિકારી, મામલતદાર અને પાલિકાની ટીમ તેમજ ઔદ્યોગિક ઈસપેક્શન અધિકારીઓની ટીમ માલણ દરવાજા વિસ્તારમાં પહોંચી હતી અને ભંગારના ગોડાઉન તાત્કાલિક ખાલી કરવા માટે જેસીબી સહિતના સાધનો લગાવવામાં આવ્યા હતા.