પાલનપુરમાં રેલવે સ્ટેશનની પશ્ચિમ તરફ પ્લેટફોર્મ નં. 8ની બાજુમાં નવા રેલ્વે ટ્રેક માટે ખુલ્લી જગ્યા હોવા છતાં શહેરનુ નાક કાપી લીધુ હોય તેમ સ્ટેશનના મુખ્ય દરવાજા આગળથી જ ડીએફસીસી લાઈન શરૂ કરી લાખો મુસાફરો માટે મુશ્કેલી સર્જ્યા બાદ હવે મેડીકલ સ્ટોર્સ જે રેલ્વે પ્લેટફોર્મ પર જરૂરી છે. તેના બદલે સ્ટેશન બહાર બનાવવા લીલા વૃક્ષોનુ નિકંદન કાઢવામાં આવ્યુ અને તેમાંય બિલ્વપત્ર ઝાડનું પણ નિકંદન કાઢતા ધર્મપ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
પાલનપુર રેલ્વે સ્ટેશન અંગ્રેજોના શાસન સમયની ઐતિહાસ્ક ધરોહર છે.અને પાલનપુર શહેર જૈન શ્રેષ્ઠીઓ અને વેપારી મથક છે. આથી મુંબઈ અને દિલ્હી આવવા જવા માટે પાલનપુરના વેપારીઓને સવલત મળતી હોઈ જિલ્લાના અગ્રણી વેપારીઓ તથા મુસાફરો પાલનપુર રેલ્વે સ્ટેશન પર આવતા હોઈ જિલ્લાના વડા મથક હોવાના કારણે અહીં વેપાર ધંધાર્થે બહારથી આવતા વેપારીઓ પણ રેલ્વે સ્ટેશનનો ઉપયોગ કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પાલનપુર રેલવે સ્ટેશન પર વિકાસના નામે જાણે ધનોતપનોત કાઢવા માટે તંત્રના બાબુઓએ નેમ લીધી હોય તેમ અગાઉ સ્ટેશનના મુખ્ય દ્વાર આગળથી ડીએફસીસી ટ્રેક શરૂ કરી અને જાણે સ્ટેશનનુ નાક કાપી નાખ્યુ હોય તેમ પાર્કીંગના સ્થળે ગુડ્ઝ ટ્રેન દોડવા લાગી. ખરેખર જો ગુડ્ઝ ટ્રેન દોડાવવાની હોય તો પ્લેટફોર્મ નં. 8ની બાજુની ખુલ્લી જગ્યા હોવા છતાં ત્યાં કોઈના હિતને નુકશાન થતુ હોય તેમ ટ્રેક બદલી અને શહેરના નાકને કાપવાનો જ નિર્ણય લીધો હોય તેમ મુખ્ય દ્વાર આગળથી ગુડ્ઝ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જે બંધ કરવાની જરૂર છે. આ ટ્રેક બદલી અને પાછળની તરફ પડેલ જગ્યામાં લઈ જવાની માંગ કરાઈ છે. ત્યારે હવે રેલ્વેના અધિકારીઓએ સ્ટેશન પર વાવેતર કરવામાં આવેલા બિલિપત્રના ઝાડ કાપી અને ત્યાં મડીકલ સ્ટોર્સ બનાવવામાં આવી રહ્યો છે. તેના માટે ખાલી જગ્યા હોવા છતા જ્યાં પવિત્ર વૃક્ષ વાવેલા હતા. તેનું નિકંદન કાઢી અને ત્યાં મેડીકલ સ્ટોર્સ બનાવવામાં આવતા વૃક્ષપ્રેમીઓમાં રોષ ભભુક્યો છે. જે લીલા વૃક્ષોનુ નિકંદન કાઢવામાં આવ્યુ છે. ત્યાં સાંજ પડે હજારો પોપટ રાત્રીના સુમારે આશિયાના બનાવીને રહેતા હતા.
સાંજ પડે અહીં મોટીસંખ્યામાં પોપટ પક્ષીનો કલરવ સંભળાતા હતા. પરંતુ ઝાડ કપાતા હજારો વિહંગોના રહેણાંક છીનવાયા છે. જેના પગલે વૃક્ષ પ્રેમી પરિવારમાં રોષ ભભૂક્યો છે. ત્યારે આ અંગે વૃક્ષછેદન કરવા બદલ મામલતદારની મંજૂરી મેળવેલ છે કે કેમ? તે અંગે તપાસ કરી યોગ્ય પગલાં લેવા શહેરીજનો દ્વારા માંગ કરાઈ છે.