બનાસકાંઠા જિલ્લામાં ગરીબોને સસ્તા દરે આપવામાં આવતા અનાજ માટે વાસ્તવિક લાભાર્થીને જ લાભા મળે તેવા આશય સાથે અને લાભાર્થી પોતાને મળેલ અનાજની વિગત જાણી શકે તે માટે બનાવેલ માય રેશન એપમાં રહેલી ક્ષતીઓના કારણે કેટલાય પરિવારો અનાજથી વંચિત રહ્યા છે.અને અનેક ગરીબોના અને લાચાર અને માંદગીમાં પટકાયેલા ગરીબોના કાર્ડ બંધ થઈ જતા અનાજ મેળવવાનો હક ગુમાવી બેઠા છે.
આવા સંજોગોમાં માય રેશન એપ પણ કામ આવતી નથી અને કચેરીમાં ધક્કા ખાઈ કંટાળી ગયેલા ગરીબો સરકાર માથે માછલા ધોઈ રહ્યા છે.રાજ્ય સરકારે ગરીબોને રાહત દરે અનાજ આપવા અને નિરાધાર લોકોને મફત રેશન આપવાની મોટી મોટી ગુલબાંગો વચ્ચે ખરેખર વાસ્તવિક ગરીબ અને લાચાર લોકોના રેશનકાર્ડ એક યા બીજા કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. યા તો તેમના કાર્ડ નોન એનએફએસ કરી દેવાના કારણે અનાજ મળતુ ન હોઈ દયાજનક સ્થિતિ વચ્ચે દિવસો પસાર કરી રહેલા પરિવારોની કથળતી હાત વચ્ચે સંવેદનશીલ સરકારની વાસ્તવિકતા બહાર આવી છે.
આ અંગે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે તો બીપીએલ લાભાર્થીઓ જલસાબંધ જીવન જીવી રહ્યા હોવા છતા ખોટા પુરાવા ઉભા કરી અને પુરવઠા વિભાગની મહેરબાનીથી સરકારી લાભો ઉઠાવી રહ્યા છે.તો બીજી તરફ ખરેખર જરૂરીયાતમંદ પરિવારોને ભુખમરાથી મરવુ પડે તેવી હાલત હોવાની રાવ ઉઠી છે.તેવા સંજોગોમાં રાજ્ય સરકારે ડોર ટુ ડોર સર્વે કરી જરૂરીયાતમંદોને સહાય કરવી જોઈએ તેના બદલે પુરવઠા કચેરીમાં બેઠાબેઠા અખતરા કરી, માત્ર કામગીરી બતાવવા માટે અસંખ્ય ગરીબોને અનાજથી વંચિત કરવામાં આવ્યા છે.જેમાં ગંભીર માંદગીમાં પટકાયેલા અને અભણ અને અબુઝ ગરીબોની સ્થિતિ દયાજનક બની છે.તો બીજી તરફ ખોટા પુરાવા મેળવી, બીપીએલ લાભાર્થી બની, બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા ફી ન ભરવી પડે તેના માટે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી લઈ, ખરેખર ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોનુ શિક્ષણ છીનવી લેવાની પેરવી રચનારાઓ સામે કોઈ જ તપાસ કરવામાં આવતી નથી.ત્યારે હવે સરકારે કેવાયસી દ્વારા વાસ્તવિક લાભાર્થી શોધવા જે એપ બનાવી છે.તેમાં એપ્લીકેશનમાં રહેલી ક્ષતીઓના કારણે અભણ અને જરૂરીયાતમંદ પરીવારો આજે પણ રાહતદરના અનાજથી વંચિત છે.પરંતુ તેની તપાસ માટે એકપણ અધિકારીએ તસ્દી લીધી નથી.આથી અનેક પરિવારો આજે પણ છતાં રેશનકાર્ડે પણ બજારમાંથી અનાજ ખરીદવા મજબુર બન્યા છે.
સર્વરના ધાંધિયાને કારણે અરજદારોને ધરમધક્કા
એક તરફ સરકાર કાર્ડધારકોના ડેટા મેળવવા માટે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી અને માય રેશન એપ દ્વારા અથવા જનસેવા કેન્દ્રમાં જઈ અને રૂબરૂ કેવાયસી કરવા માટે મજબુર બનાવ્યા છે.પરંતુ જનસેવા કેન્દ્રમાં કલાકો સુધી ઉભા રહ્યા બાદ એવુ કહેવામાં આવે છે કે સર્વર બંધ હોવાથી જ્યારે ચાલુ થાય ત્યારે આવજો તેમ કહી ટોકન નંબર આપવામાં આવે છે.
અંત્યોદય કાર્ડ બંધ થઈ, ગરીબોની હાલત કથળી
કેટલાક જરૂરીયાતમંદ અને ગરીબ પરીવારોના રેશનકાર્ડ આપોઆપ અંત્યોદયમાંથી અને એનએફએસમાંથી નોન એનએફએસ થઈ જવાના કારણે અનાજ મળવાનુ બંધ થઈ જતાં ગરીબોને હાલાકી પડી રહી છે.તો બીજી તરફ ગરીબી રેખાથી ઉપરના એટલે કે વાર્ષિક આવક અનુસાર ઈન્કમટેક્ષ ભરપાઈ કરતા હોય છતા ગરીબ બની લાભ લઈ રહ્યાની રાવ ઉઠી છે.
સાચા લાભાર્થીઓેને જથ્થો મળે તેવી વ્યવસ્થા કરવા માગ
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ જાવ્યુ છે કે ખેરખર જરૂરીયાતમંદ અને સાચા ગરીબોને અનાજનો પુરતો જથ્થો મળી રહે તે માટે કેવાયસી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.અને હાલમાં સર્વરની તકલીફ તમામ સ્થળે છે.તેમાં બનાસકાંઠામાં પણ તકલીફ હોઈ આ અંગે સરકારમાં રજુઆત કરવામાં આવી છે.જેથી ઝડપથી સર્વરની સમસ્યા હલ થાય તો લોકોને મુશ્કેલી ન પડે .
રેશનકાર્ડમાં પરિવારના કેટલાક સભ્યોના નામ નીકળી જતા હાલાકી વધી
અરજદાર રેશનકાર્ડમાં કેવાયસી લિંક કરાવવા આવે ત્યારે ડીજીટલ ડેટામાં જાણવા મળે છે કે કુંટુંબના કેટલાક સભ્યોના નામ તો કમી થઈ ગયા છે.અને રેશનકાર્ડમાં ભલે લખેલા હોય પણ ડીજીટલ ડેટામાં નામ નીકળી જવાના કારણે નામ એડ કરવા માટે ફરીથી પ્રોસેસ કરવી પડે છે.અને તેના માટે ખર્ચ કરવો પડે છે.આમ રેશનકાર્ડમાંથી કોના નામ ક્યારે નીકળી ગયા તેની પણ માહીતી જ્યારે અરજદાર તપાસ કરવા જાય ત્યારે જ ખબર પડે છે.અને કેટલાક ગરીબોના તો આખેઆખા રેશનકાર્ડ જ રદ થઈ ગયા છે.
ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે તો વાસ્તવિકતા બહાર આવે
આ અંગે વાસ્તવિક તપાસ માટે રેશનકાર્ડના ડેટા સાથે ડોર ટુ ડો સર્વે કરવા માટે ટીમ બનાવી તપાસ કરાવવામાં આવે અને તેમાં ખોટો સર્વે કરનાર અધિકારી સામે ફોજદારી ગુનો નોંધાવવામાં આવેતો દુધનું દુધ ને પાણીનુ પાણી થઈ જાય તેમ માનવામાં આવી રહ્યુ છે.