પાલનપુરમાં થોડા સમય પહેલા જ થ્રી લેગ એલિવેડટ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તે દિવસે જ આ બ્રિજમાં બે અકસ્માત સર્જાયા હતા, જો કે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહતી. ત્યારે આજે આ બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.
બ્રેક ફેલ થઈ જતાં ટ્રક રસ્તા વચ્ચે આડી થઈ ગઈ અને ટ્રાફિકજામ સર્જાયો
પાલનપુરના લેગ એલિવેટેડ બ્રિજ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, એક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. રોડ પર જ ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં ટ્રક રસ્તા વચ્ચે આડી થઈ હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો. કલાકો સુધી અનેક વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા.
બ્રિજના લોકાર્પણના દિવસે જ બે અકસ્માત સર્જાયા હતા
તમને જણાવી દઈએ કે 12 સપ્ટેમ્બરે પાલનપુરના આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તે દિવસે જ બ્રિજ પર 2 અકસ્માતો સર્જાયા હતા. પ્રથમ અકસ્માતમાં બ્રિજ પર પીકઅપ ડાલા પાછળ રિક્ષા ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો તો બીજા અકસ્માતમાં અર્ટિગા ગાડી ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અને કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. જો કે બંને અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નહતી.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યું હતું ઉદ્ઘાટન
ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં દેશનો આ બીજા નંબરનો 17 મીટર ઊંચાઈ વાળો થ્રી એલિવેટેડ બ્રિજ છે અને તેનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ બ્રિજ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ ગુજરાતનો આ પ્રથમ બ્રિજ છે અને દેશનો બીજો બ્રિજ છે. આ બ્રિજ બનાવવા માટે 16000 મેટ્રિક ટન સિમેન્ટ અને 3600 મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બ્રિજમાં 180 ગડર કોંક્રિટના અને 32 ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા
આ બ્રિજ 79 પિલ્લર પર ઉભો છે અને જેમાં 84 મીટરના ઘેરાવાનું સર્કલ સેલ્ફ પોઈન્ટ પણ બનાવવામાં આવેલું છે. આ બ્રિજમાં 180 ગડર કોંક્રિટના બનાવવામાં આવ્યા છે અને 32 ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે અને આ બ્રિજની ઉંચાઈ 18 મીટર જેટલી છે. આ બ્રિજ પર આબુરોડથી અંબાજી તરફ જતા વાહનો પસાર થાય છે. બ્રિજના ઉદ્ઘાટન સમયે બ્રિજને રોશનીથી સજાવવામાં આવ્યો હતો.