આણંદ: વડતાલમાં ખાતે ભવ્ય સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ વર્ષે આ મંદિર પોતાના 200 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, જેની ઉજવણીના ભાગરૂપે વડતાલ ખાતે ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. અહીં ભગવાન સ્વામિનારાયણના જીવનને લગતા વિવિધ 8 ડોમ બનાવવામાં આવ્યા છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મન મોહી લે તેવા વિવિધ પ્રદર્શન
સ્વામિનારાયણ મંદિરના આ વિશાળ આયોજન અંગે ક્રિના સુહાગીયાએ લોકલ 18 ને જણાવ્યું કે, “આ વર્ષે લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામના 200 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. ત્યારે અહીં વિશાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને નિહાળવા માટે દેશભરમાંથી ભગવાન સ્વામિનારાયણના ભક્તો આવી રહ્યા છે. પ્રદર્શનમાં સ્વામિનારાયણ ભગવાનની લીલા અને તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યને ખૂબ જ અનોખી રીતે દર્શાવવામાં આવ્યા છે. ખાસ કરીને અહીં સુંદર રીતે સાજ સજાવટ કરવામાં આવી છે. જે જોનારનું મન મોહી લે છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “હિન્દુ સંસ્કૃતિનો પાયો મંદિર રહેલો છે. વડતાલ ખાતેના મંદિરનું નિર્માણ પણ ભગવાન સ્વામિનારાયણે કરાવ્યું હતું. જેથી આજની પેઢીને મંદિરનું મહત્ત્વ સમજાય તે માટે પ્રદર્શનમાં ખાસ મંદિર શો બનાવવામાં આવ્યો છે. અહીં લાઈટ અને સાઉન્ડ શોમાં ભૂલેશ્વર મંદિરના યુવાન હરિભક્તો દ્વારા લાઈવ શો બતાવવામાં આવે છે. જેમાં ભગવાન વડતાલ કેવી રીતે આવ્યા તથા તેમના જીવનચરિત્ર સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.”
શિક્ષાપત્રી ડોમ જોવા જેવો
અહીં હરિભક્તોને રિપ્રેઝેન્ટ કરતો શો પણ છે. જેમાં મનની ચંચળતા અને તેને કેવી રીતે કાબુમાં રાખવું તથા મનને ભક્તિ તરફ કેવી રીતે વાળવું તે અંગે બતાવવામાં આવ્યું છે. આ સિવાય અહીં શિક્ષાપત્રી ડોમ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ભગવાન સ્વામિનારાયણે રચેલા શાસ્ત્ર અંગે જાણકારી આપવામાં આવી છે. આ ગ્રંથમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે જીવન જરૂરી નિયમો જણાવવામાં આવ્યા છે.
આ રીતે પ્રદર્શનમાં આકર્ષક અને અલગ અલગ રીતે ભગવાનની લીલા તથા તેમના દ્વારા આપવામાં આવેલ ઉપદેશને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સાથોસાથ બહારના વિસ્તારમાં પણ સુંદર મજાના ગાર્ડન અને ડેકોરેશન થકી એક આખી અલગ જ દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર