- ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો
- નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરાયા
- વિજલપોર નગરપાલિકા દ્વારા લોકોને સતર્ક રહેવા સૂચના
નવસારી શહેરના માથે ફરી એક વાર પુરનું સંકટ મંડરાઈ રહ્યું છે. ઉપરવાસ સહિત જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતાં નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
વિજલપોર નગરપાલિકા દ્વારા પણ લોકોને સર્તક રહેવા સૂચના
ત્યારે પૂર્ણા નદીના સપાટમાં વધારો થવાના કારણે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા પણ લોકોને સર્તક રહેવા અને ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નવસારી શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરમાં આવેલા રેલવે ગરનાળા નજીક વરસાદી પાણી ભરાયા છે અને તેના કારણે સ્થાનિકોને પાણીમાંથી વાહન લઈને પસાર થવુ પડે છે, આટલા પાણી ભરાયા હોવા છત્તા તંત્રએ હજી ગરનાળું અવરજવર માટે બંધ કર્યુ નથી.
નવસારીના જલાલપોર તાલુકામાં અડધો ઈંચ વરસાદ
વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના નવસારીના જલાલપોર તાલુકામાં અડધો ઈંચ વરસાદ, વાંસદા, ખેરગામ, ગણદેવી અને ચીખલી તાલુકાઓમાં દોઢથી બે ઈંચ વરસાદ તો જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીના વાંસદામાં જુજ ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ
ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે નવસારીની નદીમાં જળ સ્તર ઉંચુ આવ્યુ છે. કાવેરી નદીનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. ચીખલીની કાવેરી નદીનો ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થયો છે, સાથે સાથે અંબિકા, પૂર્ણા નદીની જળસપાટીમાં થયો વધારો થયો છે. બંને નદીઓની જળસપાટીમાં બેથી ત્રણ ફૂટ જેટલો વધારો થયો છે.
આજે રાજ્યના 215 તાલુકામાં વરસાદ
આજે રાજ્યના 215 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે ડોલવણમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે, કપરાડા, વાંસદા તાલુકામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુરમાં સવા ત્રણ ઈંચ, વઘઈ-ખેરગામમાં ત્રણ-ત્રણ ઈંચ અને ચિખલીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પારડી-વાલોડ અને વલસાડમાં અઢી ઈંચ વરસાદ, ગણદેવીમાં સવા બે ઈંચ વરસાદ, વાપી-આહવામાં બે-બે ઈંચ વરસાદ અને વ્યારા અને સુબીરમાં પણ બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે.