- યાત્રાધામ ઉનાઈ મંદિર નજીક પાણી પાણી
- મંદિર નજીકના રસ્તા ઉપર ફરી વળ્યા પાણી
- પાણી ભરાતા લોકોને ભારે હાલાકી
નવસારીના વાંસદામાં 2 ઈંચથી વધારે વરસાદ ખાબકતા રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.વાંસદા તાલુકામાં સવારથી સતત વરસાદ યથાવત છે.તાલુકામાં ચાર કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.નજીવો વરસાદ વરસતા યાત્રાધામ ઉનાઈ મંદિર નજીક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.વરસાદી પાણીનો નિકાલ ન થતાં રસ્તા ઉપર પાણી ફરી વળવાની સ્થિતિનું સર્જન થયું છે.
નવસારીના વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ
નવસારી તાલુકાના વાંસદમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબકયો છે.બીજી તરફ શામળાજી હાઇવે ઉપર પણ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.નવસારી જિલ્લાના તમામ છ તાલુકામાં વહેલી સવારથી વરસાદ આવ્યો છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે,નવસારી જિલ્લામા ભારે વરસાદ આવશે,તો આગાહી હવામાન વિભાગની સાચી નિકળી અને વરસાદ જમાવટ બોલાવી રહ્યો છે.
ખેડૂતોને થશે ફાયદો
નવસારી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ છે. ધીમી ધારે વરસી રહેલા આ વરસાદને કારણે ડાંગરના પાક માટે આ વખતનો ચોથા તબક્કાનો વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.ખેડૂતો આશાવાદી છે કે આ વરસાદથી તેમના પાકને મહત્વપૂર્ણ પોષણ મળશે અને તેની ગુણવત્તા સુધરશે.નવસારી તેમજ આસપાસના જિલ્લાના ખેડૂતોને વરસાદના પાણીથી સારો ફાયદો થયો છે,નદી નાળા તેમજ ચેકડેમો પણ છલકાઈ ગયા છે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.
તાપી શહેરમાં પણ ભારે વરસાદ
ડોલવણ, સોનગઢ, વ્યારામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તેની વચ્ચે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.વ્યારા, વાલોડ, અને સોનગઢમાં ધોધમાર વરસાદ છે,સોનગઢના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે.કાંટી, આમથવા, શ્રાવણિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે,સાથે ગ્રામ્યના ઓઝર, લવચાલી સહિતના ગામો પણ સંપર્ક વિહોણા થયા છે.