સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નવસારી જિલ્લમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. નવા નીરની આવક થતા વાંસદામાં આવેલ કેલિયા ડેમ 10 સેન્ટીમીટરથી ઓવરફ્લો થયો છે.
ડેમની ભયજનક સપાટી 113.40 મીટર
વાંસદામાં આવેલ કલિયા ડેમ ઓવરફ્લો થતા 23 ગામે એલર્ટ કરવામાં આવી છે. જેમાં ચીખલી, ખેરગામ, ગણદેવી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કેલિયા ડેમની ભયનજક સપાટી 113.40 મીટર છે. નવસારી જિલ્લામાં ખેડૂતોની જીવાદોરી સમાન કેલિયા ડેમ હાલ 113.50 મીટરથી એટલે કે 10 સેન્ટીમીટરથી ઓવરફ્લો થયો છે. કેલિયા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કેલિયા ડેમનું પાણી ખેડૂતો માટે ખેતી માટે ઉપયોગી રહેશે.
ડેમ ઓવરફ્લો થતા 23 ગામોને એલર્ટ કરાયા
કેલિયા ડેમ ગતરોજ 12 વાગ્યે ઓવરફ્લો થયો છે. કેલિયા ડેમ ઓવરફ્લો થતા વહીવટી તંત્ર દ્વારા કુલ 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદા તાલુકાનું એક ગામ, ચીખલી તાલુકાના 16 ગામ, ખેરગામ તાલુકાનું એક ગામ અને અન્ય તાલુકાના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.