નવસારીના ચીખલી તાલુકામાં આવેલા સુરખાઈ ગામે સૌપ્રથમ વાર ત્રણ દિવસ માટે ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરની આજથી શરૂઆત થઈ છે. કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોર સહિત વલસાડના સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા હતા. આદિવાસી યુવાનો સ્કીલ બેઝ વ્યવસાયિક સફળતા મેળવવા સાથે નોકરીની વિપુલ તકોનો લાભ લે તેમજ ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે ક્યાંથી શરૂઆત કરે તેવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આ ટ્રેડ ફેરમાં મોટી સંખ્યામાં યુવાનોએ મુલાકાત લીધી છે.
મંત્રી કુબેર ડીંડોરએ જણાવેલ કે, આદિવાસી સમાજની સંસ્કૃતિની ઓળખ વધુ પ્રસ્થાપિત કરવા માટે સ્ટોલ બનાવવામાં આવ્યાં છે. ઉમરગામથી અંબાજી સુધીના આગેવાનો અને યુવાનો અહીં આવ્યાં છે. લગભગ 240 જેટલા સ્ટોલ અહીં ઊભા કરવામાં આવ્યાં છે. ભારતીય સંસ્કૃતિ કળા લઘુ ઉદ્યોગ વધુ આગળ વધે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર યુવાનોને પ્રોત્સાહન આપી રહી છે. આદિવાસી વિરાસત વધુ શિક્ષણ મેળવીને આત્મનિર્ભર બને એવા અમારા પ્રયાસો છે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે કે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી રહી છે. તેમણે સુરતની દીપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટનો ઉલ્લેખ કર્યો, જેનું રજીસ્ટ્રેશન નંબર 7313 છે અને તેમાં કમલા મેડિકલ સેન્ટર ચલાવે છે, જે ફ્રોડ છે.
આ સંસ્થા સુરત, નર્મદા, તાપી, રાજપીપળા, કર્ણાટક અને બેંગલોરમાં કેન્દ્રો ચલાવે છે. આદિવાસી વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ લીધો હતો અને ફ્રી શિપ કાર્ડની અરજી આવી હતી. હવે આદિજાતિ વિભાગ અને આદિવાસી સમાજ દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવશે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આદિવાસી વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તેઓ યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન (UGC) દ્વારા માન્યતા પ્રાપ્ત અને એફિલીએશન ધરાવતી યુનિવર્સિટીમાં જ એડમિશન લેવાનું આગળ રાખે તે જરૂરી છે.