ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાના શહેરોમાં ફરી પાણી ભરાયા છે. નવસારી, બીલીમોરાના વિસ્તારો જળમગ્ન થયા છે. જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદી ગાંડીતૂર બની છે અને નદીઓ ગાંડીતૂર થતાં શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
1300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને 1300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીઓના જળસ્તર વધતા 50 માર્ગ બંધ કરવામાં આવ્યા છે અને નવસારી, ગણદેવીની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે શહેરનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવસારીમાં પૂરની સ્થિતિ વચ્ચે તંત્ર નિંદ્રાધીન
નવસારીમાં પૂરની સ્થિતિ વચ્ચે તંત્ર નિંદ્રાધીન હાલતમાં છે. 20થી વધુ લોકો અંબિકા નદીના પટ્ટમાં ઉતર્યા છે અને તેઓ જીવના જોખમે લોકો નદીના પટ્ટમાં ઉતર્યા છે. ગઈકાલે ફસાયેલી ટ્રક કાઢવા માટે આ લોકો ઉતર્યા હતા. ત્યારે સવાલ એ છે કે પૂરની સ્થિતિ વચ્ચે ટ્રક કાઢવાની શું જરૂર હતી.
ત્યારે આવા દ્રશ્યો સામે આવ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
રાજ્યમાં વરસેલા ભારે વરસાદને લઈને રાજ્યભરના તમામ નદી, નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે અને ઘણા ડેમ ઓવરફ્લો થયા છે તો ઘણા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવેલુ છે.