- તહેવારના દિવસે ઉભરાટનો દરિયો બન્યો ગોઝારો
- સુરતના લિંબાયત વિસ્તાર અને ભેસ્તાન વિસ્તારના યુવાનો પાણીમાં ડુબ્યા
- 3 બનાવમાં એક યુવાનને બચાવી લેવામાં આવ્યો
રક્ષાબંધનના તહેવારના દિવસે જ નવસારીના ઉભરાટનો દરિયો ફરી એક વખત ગોઝારો બન્યો છે. ઉભરાટના દરિયામાં ડૂબી જવાના ત્રણ બનાવો બન્યા છે. ત્યારે આ ડૂબી જવાની ત્રણ અલગ અલગ ઘટનામાં બે યુવાનોના મોત થયા છે.
ડૂબી જવાની ત્રણ જુદી જુદી ઘટનામાં બે યુવાનોના થયા મોત
સુરતના લિંબયત વિસ્તાર અને ભેસ્તાન વિસ્તારના યુવાનોનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. જો કે દરિયામાં ડૂબી જવાના ત્રણ બનાવમાં એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો પણ કમનસીબે બે યુવાનના મોત થયા હતા. દરિયાકિનારે ફરવા આવેલા 3 યુવાનો પૈકી 2 યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થતા તેમના મોત થયા હતા. ત્યારે બચાવી લેવામાં આવેલા યુવાનને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
દાહોદમાં પણ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના બે સગા ભાઈના મોત
દાહોદમાં આજે માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના બે સગા ભાઈઓના મોત થયા હતા. દાહોદના વરોડ ટોલ નાકા પાસે અકસ્માત સર્જાયો અને તેમાં બે સગા ભાઈના મોત થયા હતા. વરોડ ટોલ નાકા નજીક ફોર વ્હીલર ગાડી અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટર સાયકલ પર સવાર 2 સગા ભાઈઓના ઘટના સ્થળે મોત થયા હતા અને બીજી તરફ ફોર વ્હીલર ગાડીનો ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો હતો. ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના 2 દીકરાના મૃત્યુ થવાના કારણે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો.
મહિસાગરમાં બે બાઈક સામસામે અથડાયા, 1નું મોત
મહિસાગર જિલ્લામાં પણ માર્ગ અકસ્માતનો એક બનાવ બન્યો છે અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવા માટે આવેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. 2 બાઈક માર્ગ પર સામસામે અથડાયા હતા અને તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. મહિસાગરના કડાણાના સાયા મહુડા પાસે આ અકસ્માતની ઘટના બની હતી.