વસો તાલુકાના પીજમાં ખેતરમાં ડાંગર કાઢવા માટે એક ખેડૂત પરિવાર દ્વારા થ્રેસર મશીન મંગાવવામાં આવ્યું હતું. જેમાં ડાંગર કાઢતી વખતે ડાંગરનો કચરો ઉડવા બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. એક પક્ષે તો બાઈકમાં પણ તોડફોડ કરી હતી. આ મામલે બે ફરિયાદના આધારે વસો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વસોના પીજમાં આવેલ કંસારીપુરામાં રહેતા જશવંતસિંહ રમેશભાઈ પરમારે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા તેમના કૌટુંબિક કાકા મહેન્દ્રભાઈ પરમાર તેમના ખેતરમાં ડાંગર કાઢવા માટે થ્રેસર મશીન લાવ્યા હતા. જેનો કચરો ઉડીને તેમના નવા બનતા મકાન તરફ આવતો હોવાથી બીજી તરફ થ્રેસર કરવાનું કહેતા ઉશ્કેરાયા હતા.અને પિતરાઈ ભાઈઓ ભાવેશ તથા ગિરીશ હાથમાં પાવડો, લાકડી લઈને મારવા ફરી વળ્યા હતા. જેમાં જશવંતભાઈના પિતા તથા ભાઈને ઈજા પહોંચી હોઈ સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.
આ મામલે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બીજી ફરિયાદ ભાવેશભાઈ ઉર્ફે ભાથી મહેન્દ્રભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ડાંગરનો કચરો ઉડવા મામલે ત્રણ ઈસમો દ્વારા કુહાડીના હાથા, લાકડાના ડંડાથી માર માર્યો હતો. આ મામલે રમેશ મણીભાઈ પરમાર, નિમેશ રમેશભાઈ પરમાર અને જશવંત રમેશભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.