ચરોતરના ખેડૂતો અને પશુપાલકો માટે જીવાદોરી સમાન અને સહકારી બેંક ક્ષેત્રે સમગ્ર રાજયમાં રોલ મોડલ બનેલી નડિયાદ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી )ની 77મી વાર્ષિક સભા ચેરમેન તેજસ પટેલના અધ્યક્ષ સ્થાને વડતાલ સ્વામિ. મંદિરના સભાખંડમાં યોજાઇ હતી.બેંકના ઇતિહાસમાં પ્રથમ સભાસદોને 20 ટકા ડિવિડન્ડ ચુકવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. આ સભા બાદ અત્રે આ સભા બાદ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ નિમિતે સહકારી સંમેલન યોજાયું હતું.
બેંકના વાર્ષિક અહેવાલ રજૂ કરતાં ચેરમેન તેજસ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2022માં કેડીસીસી બેંકનો બિઝનેસ રૂ. 2700 કરોડ હતો. તે વધીને વર્ષ 2025માં રૂ. 4400 કરોડ પર પહોંચી ગયો છે. 77 વર્ષના ઇતિહાસમાં છેલ્લા 3 વર્ષમાં જ બિઝનેસમાં 62.52 ટકા વધારો થયો છે. ખેડૂતો માટે કૃષિ ધિરાણની મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ સુધી કરવાના નિર્ણય બદલ તેમણે બેંક સાથે જોડાયેલા લાખો ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી તથા સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ, સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા અને જીએસસી બેંકના ચેરમેન અજયભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો. આજે 1239 દૂધ મંડળીઓ , 527 સહકારી મંડળીઓ, 4,74,620 દૂધ ઉત્પાદક સભાસદો તેમજ 1,75,462 ખેડૂત પેકસ સભ્યો કેડીસીસી બેંક સાથે જોડાયેલ છે. 318 સેવા મંડળી લાઇવ પેકસ તરીકે કાર્યરત છે. પશુ પાલકોને સરળતાથી ચૂકવણું મળી રહે તે માટે 1036 માઇક્રો એટીએમ કાર્યરત છે. ગત વર્ષે બેંકના ગ્રાહકો દ્વારા 3,72,17,328થી વધુ ડિજિટલ ટ્રાન્ઝેકશન કરાયા છે.
આ ઉપરાંત 27188 ખાતેદારોને કિસાન ક્રેડિટ કાર્ડ, 3,92,263 સભ્યોને રૂપે કાર્ડ વિતરણ કરાયા છે. 382 સહકારી મંડળીઓ બેંક પાસેથી ધિરાણ મેળવી રહી છે. આપણી બેંકનો વ્યાપ આજે 1200 ગામડાઓ સુધી વિસ્તર્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય પંકજ દેસાઇ, સત્સંગ મહાસભા પ્રમુખ નૌતમ સ્વામી , વડતાલ મંદિરના ચેરમેન સંતવલ્લભ સ્વામી તથા જીએસસી બેંકના ચેરમેન અજયભાઇ પટેલ, બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમમાં બેંકના તમામ ડિરેકટર્સ, સોજિત્રા સહકારી ક્ષેત્રે જોડાયેલા અગ્રણીઓ તથા મોટીસંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
[ad_1]
Source link

