ખેડા જિલ્લાના તાલુકા મથક કઠલાલના ખલાલ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર પાસેથી શનિવારે રાત્રિના સુમારે કણભાના સિવિલ એન્જિનિયર યુવકનું લેબર કામ કરતાં બે ઇસમોએ અપહરણ કર્યું હતું. આ બંને ઇસમોએ મજૂરી પેટે નીકળતી રૂ. 3 લાખ નહીં આપતાં યુવકને બળજબરીથી કારમાં બેસાડીને લઇ ગયા હતા.
આ ઉપરાંત બંને અપહરણકર્તાઓએ યુવકના માતાપિતાને ફોન કરીને કહ્યું કે મજૂરીના રૂપિયા આપીને તમારા દિકરાને લઇ જવા તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. આ સંદર્ભે યુવકના માતાની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે મકરદમ ઈસમ સહિત ત્રણ ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. સદર ચકચારી બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ દસક્રોઇ તાલુકાના કણભા સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા અને સિવિલ એન્જિનિયર પાર્થ સંદિપભાઇ પટેલ હરિકૃષ્ણ ઇન્ફા નામે લેબર કોન્ટ્રાકટ કામ કરે છે. પાર્થે કઠલાલના ખલાલ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટરમાં લેબર કામ રાખ્યું હતું. આ કામકાજ બાબતના રૂ. 3 લાખની લેબર કામ કરનાર મકરદમ મોહન માગણી કરતાં હતા. આ નાણાં નહીં આપતાં મકરદમ મોહન અને સુનિલ સહિત ત્રણ ઈસમોએ શનિવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં પાર્થ પટેલને જબરજસ્તીથી કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ અપહરણકર્તાએ પાર્થના માતા કામીનીબેનને ફોન કરીને કહ્યું હતું કે, મજૂરીના રૂ. ત્રણ લાખ આપીને તમારા દિકરાને લઇ જવા. તેમ કહ્યા બાદ ફોન કટ કરી દીધો હતો. દિકરાનું અપહરણ થયા સંદર્ભે માતા કામીનીબેન સંદિપભાઇ પટેલની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે મકદરમ મોહન, સુનિલ સહિત કુલ ત્રણ ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.