નડિયાદમાં આવેલી એક જેવલર્સ દુકાનમાં સોના ચાંદીના દાગીના ખરીદવા આવેલી ત્રણ મહિલાઓએ વેપારીની નજર ચુકવીને રૂ. 49,500 મતાના સોનાની ચુની અને ચાંદીના છડા ચોરી લીધા હતા.વેપારી બીલ બનાવવા માટે બીલ બુક કઢતાં મહિલા રૂ.1500 મૂકીને અમારે ઉતાવળ છે. તેમ કહીને 400 ગ્રામ ચાંદીના છડા અને સોનાની 3 ચુની લઇને કારમાં બેસીને ફરાર થઇ ગઇ હતી.
નડિયાદ પેટલાદ રોડ વિદ્યુતનગર પાસે આવેલ નાગણેશ્વર જેવલર્સ નામની દુકાનમાં ગત તા. 25મીના રોજ સાંજ 7.30 વાગ્યાના અરસામાં અજાણી ત્રણ મહિલા સોના-ચાંદીના દાગીના ખરીદવાના બહાને આવી હતી. આ ત્રણેય મહિલાઓએ ચાંદીના છડાં અને સોનાની ચુની લેવાનું કહેતાં વેપારી નિર્મલભાઇ સોનીએ ચાંદીના છડા અને સોનાની ચુની બતાવી હતી.આ મહિલાઓએ પસંદગીના ચાંદીના છડાં અને સોનાની ચુની લઇને વેપારીને દાગીનાનું બિલ બનાવવાનું કહ્યું હતું.
વેપારી બીલ બુક કાઢવા જતાં તેઓની નજર ચૂકવીને પાંચ ચાંદીના છડાં(400 ગ્રામ કિંમત રૂ. 45,000) અને સોનાની 3 ચુની(રૂ. 4,500) આ મહિલા ચોરી લીધા બાદ અમારે ઉતાવળ છે. તેમ કહીને ટેબલ ઉપર રૂ. 1,500 મૂકીને રોડ પર આવીને ઉભેલી એસ કલરની કારમાં બેસીને પલાયન થઇ ગયા હતા. આ વેપારી બૂમો પાડીને રોકવાનો પ્રયાસ કરે તે પહેલા ફરાર થઇ ગઇ હતી.
વેપારીએ દુકાનમાં તપાસ કરતાં ઉપરોકત ચાંદી અને સોનાની દાગીના ન હતા. આ સંદર્ભે વેપારી નિર્મલ માણેકચંદ સોનીની ફરિયાદના આધારે નડિયાદ પશ્વિમ પોલીસે અજાણી ત્રણ મહિલા વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.