રાજયમા ખરાબ રોડ મહામુસીબત સમાન બન્યા છે.નડિયાદ રિંગ રોડ અતિબિસ્માર હાલતમાં જોવા મળ્યો છે,માત્ર 2 જ વર્ષંમાં રિંગ રોડ પર મોટા મોટા ખાડા પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.4.2 કિમી રોડ 5 કરોડના ખર્ચે બનાવાયો હતો અને જે અત્યંત બિસ્માર થતા સ્થાનિકો અને વાહનચાલકો ત્રાસી ગયા છે.
ગેરંટી પાંચ વર્ષની અને માત્ર પોણા બે વર્ષમાં રોડના ફૂરચે ફૂરચા ઊડી ગયા
વિધાનસભા ચૂંટણી સમયે જે નડિયાદ હેલીપેડ થી ગણપતિ ચોકડીને જોડતા રીંગરોડ મામલે “ખેલદિલી” શબ્દથી રાજકારણ ગરમાયુ હતું તે રીંગરોડ હાલ અતિબિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.નવેમ્બર 2022 માં આ 4.2કિ.મી લાંબો રીંગરોડ રૂપિયા પાંચ કરોડના ખર્ચે અર્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી દ્વારા DBM, BC અને રોડ ફર્નિશીંગની કામગીરી કરી બનાવવામાં આવ્યો હતો.આ રોડ પરથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ વાહનોની જેમ ખાડામાં ડગમગી રહી છે.
1470 કરોડ રોડ માટે ફાળવ્યા
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.
ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે
ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.