- આબુમાં સપ્તાહ વિતાવવા માટે બુકિંગ કરાવ્યા, હોટેલોમાં ભાડા વધ્યા
- ગરમીથી બચવા લોકો હીલ સ્ટેશન પર જઈ રાહત મેળવી રહ્યા છે
- ઉનાળાની ઋતુમાં ગરમીના પ્રકોપથી બચવા લોકો ઠંડા પ્રદેશમાં પ્રવાસે જઈ રહ્યા છે
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં સહેલાણીઓનો ભારે ધસારો જામ્યો છે. ગરમીથી બચવા લોકો હીલ સ્ટેશન પર જઈ રાહત મેળવી રહ્યા છે. આમ ગુજરાતને અડીને આવેલ હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં આગામી અઠવાડીયા દરમ્યાન ગરમીનો પારો 48 ડિગ્રીને પાર કરી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વળી હાલમાં શાળા કોલેજમાં વેકેશન હોય લોકો ગરમીમાંથી બચવા માટે હીલ સ્ટેશનનો સહારો લઈ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ માટે મીની કાશ્મીર મનાતા માઉન્ટ આબુમાં અઠવાડીયું વિતાવવા માટે બુકિંગ કરાવી દીધા છે. ઉનાળાની ઋતુમાં ગરમીના પ્રકોપથી બચવા લોકો ઠંડા પ્રદેશમાં પ્રવાસે જઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી 25 મેના દિવસે સિઝનની સૌથી વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં માઉન્ટઆબુમાં ઉમટી પડતા ભીડ જોવા મળી રહી છે. વળી માઉન્ટઆબુમાં સહેલાણીઓનો ધસારો વધતા હોટલ બુકિંગ માટે પણ હાલાકી વર્તાઈ રહી છે. અગાઉથી જ બુકિંગ કરનારા પ્રવાસીઓને સવલત મળી રહે છે. પરંતુ હાલની સ્થિતિએ શનિ રવિ દદરમ્યાન ભારે ભીડના કારણે હોટલોમાં મન મરજીના રેટ લેવાતા હોવાની પણ રાવ છે.