‘પાની મેં તસ્વીર બના શકતે હો તુમ, કલમ કો શમશીર બના શકતે હો તુમ, કાયર હૈ જો તકદીર પે રોતે હૈ, જૈસા ચાહો વૈસા તકદીર બના શકતે હો તુમ’. હળવદના યુવાને આર્થિક પરિસ્થિતિ વચ્ચે તનતોડ મહેનત કરીને અનેકવાર મળેલી નિષ્ફળતા પચાવીને CAની પરીક્ષા પાસ કરી હારથી નાસીપાસ થતા યુવાનોને પ્રેરણા પુરી પાડી છે.
રોહિત રંગાડીયાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષા પાસ કરી
માતા સવિતાબેન ગૃહિણીની સાથે બકડીયા (તગારા)માં શાકભાજીની ફેરી કરતા અને પિતા બળદેવભાઈ પણ શાકભાજીની લારી શેરીમાં ફેરવી શાકભાજી વેચાણ કરે છે. પરિવારની નબળી આર્થિક સ્થિતિ વચ્ચે રોહિત બળદેવભાઈ રંગાડીયાએ આકરી મહેનત કરી સફળતા હાંસલ કરીને અનેક લોકોને પ્રેરણા પુરી પાડી છે. મોરબીના હળવદ શહેરની સોનીવાડમાં રહેતા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા સતવારા સમાજના રોહિત રંગાડીયાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષા પાસ કરી છે. તેના પિતા બળદેવભાઈ રંગાડીયા 25 વર્ષથી શાકભાજીની ફેરી કરીને ગુજરાન ચલાવે છે તો સાથે માતા સવિતાબેન રંગાડીયા પણ બકડીયા લઈને શેરીમાં ફેરી મારવા જાય છે.
4 વાર નિષ્ફળતા બાદ મળી સફળતા
રોહિત રંગાડીયાએ 2020થી CAની જર્ની શરૂ કરી હતી. ફાઉન્ડેશન અને ઈન્ટરમાં ઉત્તીર્ણ થતાં તેઓ ફાઈનલમાં પહોંચ્યા હતા. જો કે ફાઈનલમાં તેઓને ફર્સ્ટ ગ્રુપમાં સતત 4 વાર નિષ્ફળતા મળી હતી પણ પોતાની ભૂલમાંથી તેઓએ શીખી નાસીપાસ થયા વગર અંતે સીએ ફાઈનલની પરીક્ષા પાસ કરી લીધી છે. રોહિત રંગાડીયાએ જાહેર થયેલા પરિણામમાં ઉત્તીર્ણ થતાં તેઓની આ સફળતાનો શ્રેય પોતાના માતા પિતાને આપ્યો છે તો સાથે પુત્ર રોહિત રંગાડીયા સીએ બનતા અને તેમની નાની પુત્રી ડૉ ધર્મિષ્ઠાબેન રંગાડીયાએ એમબીબીએસ પૂર્ણ કરી હવે એમડી ડીગ્રી માટે જયપુર જવાના છે, ત્યારે ખુબ જ સંઘર્ષ કરી પોતાના બંને સંતાનોને શિક્ષણ આપવા તનતોડ પરિશ્રમ કરીને આજે સફળ થતાં માતાપિતાની આંખો છલકાઈ હતી.