માંની આરાધનાના પર્વ નવલા નોરતાનો પ્રારંભ થઈ ચુક્યો છે, ત્યારે મોરબીમાં પણ અનેક જગ્યાએ માંની આરાધના રૂપે ગરબાના ભવ્ય આયોજન થયા છે, તેમાં પણ મોરબીના ખાટકીવાસમાં શક્તિચોક ગરબી મંડળ દ્વારા છેલ્લા 41 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે.
મશાલના અંગારા જમીન ઉપર નાખીને તેની પર રમે છે રાસ
મોરબીમાં શક્તિ ચોક ગરબી મંડળમાં બાળાઓ સાથે મળીને માંની આરાધના માટે ગરબા કરે છે, જેમાં બીજા નોરતાના દિવસે જ બાળાઓ દ્વારા મશાલ અંગારા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળાઓ સળગતી મશાલ સાથે ગરબે ઘૂમે છે અને તે જ મશાલના અંગારા જમીન ઉપર નાખીને તેના પર રાસ રમી માંની આરાધના કરે છે. આ રાસ જોવા માટે મોટી સંખ્યામાં દર વર્ષે લોકો ઉમટે છે, આ ઉપરાંત આ ગરબીમાં બાળાઓ દ્વારા ટિપ્પણ રાસ, તલવાર રાસ, અઘોર નગારા રાસ જેવા જુના રાસ રજુ કરે છે. મંત્રમુગ્ધ કરી દેતા મશાલ અંગારા રાસ રજુ કરીને શક્તિ ચોક ગરબી મંડળે માંની આરાધનાનો પ્રારંભ કર્યો છે.
જામનગરમાં બાળાઓ દ્વારા ત્રિશુલ વડે રાસ રમવામાં આવે છે
જામનગરમાં આઈ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિ દ્વારા છેલ્લા 30 વર્ષથી માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવે છે. સમાજ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ રમવામાં આવે છે. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
જામનગરમાં પ્રાચીન ગરબા 300થી વધારે થાય છે. ત્યારે જામનગરમાં વર્ષોથી સોનલ માતા નવરાત્રિ ઉત્સવ દ્વારા સમાજના પ્રખ્યાત કલાકારો તેમની વાણી દ્વારા માતાજીની આરાધના કરી ગરબા રમાડવામાં આવે છે. જ્યારે આ રાસ પૌરાણિક ચારણ સમાજનો રાસ છે. ત્યારે બાળાઓ પૌરાણિક રાસ જ રમે છે. ત્યારે લોકો પણ અહીં આવેલા માં સોનલના મંદિરે પધારે અને આપણી સંસ્કૃતિના રાસને જાણે અને માણે. આ ખાસ રાસ જેમાં બાળાઓ દ્વારા ત્રિશુલ વડે રાસ રમવામાં આવે છે.
નાની બાળાઓ માતાજીનો પોશાક ધારણ કરે છે
જેમાં નાની બાળાઓ માતાજીનો પોશાક ધારણ કરી હાથમાં ત્રિશુલ લઈ માતાજીની જેમ ગરબા ઘૂમે તેમ તેઓ રાસ રમી માતાજીની આરાધના કરે છે. એક સમયે એવું લાગે છે કે જાણે માતાજી સ્વયં અહીંયા રમતા હોય તેવું દ્રશ્ય ફલિત થતું હોય છે. આજના મોર્ડન યુગમાં લોકો શેરી ગરબા અને માતાજીના ગરબા ભૂલી જતા હોય છે, ત્યારે નાની બાળાઓ આ માતાજીની આરાધનાઓ કરી આજના આ યુગમાં પણ તેઓએ આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે.