અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય અને પોલીસનો કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસા શહેરમાં એક યુવકને લાકડી અને બેડ વડે તેમજ ગડદાપાટુથી ઢોર માર મારવામાં આવ્યો હતો.
જેમાં મારામારી કરનાર અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના બે પુત્રો રણજીતસિંહ અને કિરણસિંહ તેમજ જિલ્લા ભાજપ યુવા મોરચાનો પ્રમુખ અમિષ પટેલ હોવાનું સામે આવ્યુ છે. સત્તાના નશામાં ભાન ભૂલેલા મંત્રીના પુત્રો એક યુવક ઉપર રીતસર તૂટી પડે છે અને તેને ઢોર માર મારી કારમાં બેસાડી દઈ અપહરણનો પણ પ્રયાસ કરી રહ્યા હોવાનું વીડિયોમાં જણાઈ રહ્યુ છે. જિલ્લામાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે અને મંત્રીના પુત્રો તેમજ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અમિષ પટેલને કોઈ કાયદો જ લાગુ પડતો ન હોય અને તમામ સત્તાઓ મળી ગઈ હોય તે રીતે કરેલા કૃત્યની સમગ્ર જિલ્લામાં આકરી ટીકા થઈ રહી છે.
સમગ્ર મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. 2 મિનિટ 31 સેકન્ડના વીડિયોમાં મંત્રીના બે પુત્રો કેટલાક લોકો સાથે કારમાં આવે છે અને એક્ટિવા પર આવી રહેલ એક યુવક ઉપર તૂટી પડે છે. એક વ્યકિત કારમાંથી બેટ અને લાકડી કાઢી લાવે છે અને યુવકને ઢોર માર મારવામાં આવે છે. મંત્રીના પુત્રો રણજીતસિંહ અને કિરણસિંહ તેમજ અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાનો પ્રમુખ અમિષ પટેલ કાયદો હાથમાં લઈ મારમારી કરી રહ્યા હતા. મારામારી સાથે ગાળોનો વરસાદ વરસાવી યુવકને કારમાં બેસાડી દઈ અપહરણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું વીડિયોમાં જોવા મળ્યુ હતું.