મોડાસા તાલુકાના રખિયાલની ચોકડી પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી લેવામાં આવી હતી. જ્યારે પાયલોટિંગ કરી રહેલ કાર પણ જપ્ત કરી ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. રૂ. 2.66 લાખનો વિદેશી દારૂ અને વાહનો મળી 16.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વિદેશી દારૂ મંગાવનાર અને ભરી આપનાર સામે પણ પોલીસે ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.રાજસ્થાનથી આવી રહેલ દારૂ ભરેલી કાર મોડાસાના બાકરોલ ગામેથી રખિયાલ ચોકડીથી પસાર થનાર હોવાની બાતમીને આધારે મોડાસા રૂરલ પોલીસે વૉચ ગોઠવી હતી. દરમ્યાન રખિયાલ ચોકડી નજીક કાર નં. જી.જે.27.ઈ.બી.3350 આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ચાલકે કાર રિવર્સમાં લેતાં બાજુમાં થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. જેના પગલે પોલીસે કારમાં બેઠેલા ભિલોડાના પાંચ મહુડા ગામના અજય સોમાભાઈ કોટડ અને જિગ્નેશ મહેન્દ્રભાઈ ડામોરની ધરપકડ કરી હતી. બાદમાં કારમાંથી 2.66 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂ ભરેલી કારનું પોયલોટિંગ કરી રહેલ કાર નં. જી.જે.18.બી.એસ.8425જપ્ત કરી તેમાંથી ગાંધીનગર જિલ્લાના દેવકરણના મુવાડાના નિકુલ અમરાભાઈ વાદી અને શીવમ અલ્કેશભાઈ જોષીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે દારૂ મંગવારનાર ગાંધીનગરના દેવકરણના મુવાડાના ગુડ્ડુ ઉર્ફે ભરત મહેન્દ્રસિંહ ઝાલા અને રાજસ્થાનના ઠેકા પરથી દારૂ ભરી આપનાર બાપુ નામના વ્યકિત વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.