મહેસાણા શહેરમાં આવેલ માનવ આશ્રમ ચોકડી અને મુખ્ય પોસ્ટ ઓફીસ વિસ્તારમાં વીજ તંત્ર દ્વારા આડેધડ ખાડા ખોદવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જેને લઈ અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઈનની કામગીર દરમિયાન ખાડા ખોદતાં નગરપાલિકાની પાણીની લાઇન અને સાબરમતી ગેસ લાઇન લિકેઝ થતા પાણી અને ગેસનો પુરવઠો ખોરવાયો હતો. એક બાજુ ગેસના તો બીજી બાજુ પાણીના ફૂવારા ઉદયા હતા.
મહેસાણાશહેરી વિસ્તારમાં વીજ તંત્રએ જ્યારથી અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઇન માટેની કામગીરી એજન્સી રાહે શરૂ કરી છે ત્યારથી વીજ તંત્રના બાબુઓની લાડકવાઈ એજન્સીના કામે શહેરી જનો ભારે પરેશાની અને અકસ્માતનું જોખમ વેઠી રહ્યાં છે. ત્યાં વધુ એક નમૂનો વીજ તંત્રના માનવ આશ્રમ અને મુખ્ય પોસ્ટ ઓફીસ વિસ્તારમાં ચાલતા અન્ડરગ્રાઉન્ડ વિજલાઈનના કામે સામે આવ્યો હતો. જ્યાં વીજ તંત્રની ભારે બેદરકારી વચ્ચે કામગીરી કરતી એજન્સીના માણસોએ ખાડા ખોદતાં નગરપાલિકાની 15 જેટલી સોસાયટીઓને પાણી આપતી મુખ્ય પાઇપ લાઇન તોડી નાખી હતી. જેથી લોકો આખો દિવસ પાણી વગર તરસે મર્યા હતા. પાણી ન મળતા લોકો ભારે પરેશાન બન્યા હતા. ત્યાં તો માનવ આશ્રમ નજીક વીજ તંત્રના કામે વધુ એક ખોદકામ દરમીયાન સાબરમતી ગેસની લાઇન લિકેઝ થઈ હતી. આમ એક જ દિવસમાં બે લાઈનો લિકેઝ થતા આ વિસ્તારના લોકો આખો દિવસ પાણી અને ખોરાક વગર ભૂખ્યા અને તરસ્યા રહ્યા હતા. જોકે પાલિકાની ટીમ દ્વારા પાણી અને સાબરમતી ગેસની ટીમ દ્વારા ગેસની લાઈનનું રીપેરીંગ કામ હાથ ધરતા લોકોએ રાહત અનુભવી હતી.
પાલિકા-નેતાઓમાં આશીર્વાદથી વીજતંત્ર બેજવાબદાર બન્યું છે : વિપક્ષ નેતા
મહેસાણા નગરપાલિકા વિપક્ષ નેતા કમલેશ સુતરિયા દ્વારા વીજતંત્ર દ્વારા આડેધડ કરાતી બેજવાબદારી પૂર્વકની કામગીરીને લઈ અગાઉ ચોમાસામાં થયેલ નાના મોટા અકસ્માત વખતે જ પત્ર દ્વારા પાલિકાને પગલાં ભરવાસૂચિત કરાયું હતું. જોકે પાલિકાએ કોઈ જ કાર્યવાહી ન કરતા અને કેટલાક નેતાઓના આશીર્વાદ તળે એજન્સી સામે કાર્યવાહી ન થતા આજે પાણી અને ગેસની લાઇન તૂટવા પામી છે. હાલમાં આવી બેજવાબદારી ભરી કામગીરી થી કયાંક નાનું મોટું નુકસાન અને પ્રજા પરેશાન બની છે પરંતુ યોગ્ય તકેદારી નહિ લેવાય તો આગામી સમયમાં આવી કામગીરી જોખમી કે જીવલેણ પણ સાબિત થઈ શકે છે તેમ જણાવવામાં આવ્યું હતું.