ઉ.ગુજરાતની જીવાદોરી મનાતી ધરોઈ સિંચાઈ યોજનામાંથી નહેરમાં 930 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ જળાશયના આ પાણીનો ઉપયોગ શિયાળુ પાકોને બચાવવા માટે કરવામાં આવશે.
ધરોઈ ડેમમાં પાણીનો સંગ્રહ 89.56 ટકા જેટલો થયો છે. આ ઉપરાંત, ધરોઈ ડેમ સાઈટનાં સૂત્રોએ ડેમને એલર્ટ ઉપર મુકયો છે.ધરોઈ ડેમની પાણી ભરવાની 622 ફૂટની ક્ષમતા સામે હાલમાં પાણીની સપાટી 602 ફૂટ જેટલી થઈ છે. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થઈ ગઈ છે. તેમ છતાં જરૂરિયાત મુજબ પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત થતી આધારભૂત માહિતી અનુસાર ધરોઈ ડેમમાં પાણીની સમાવવાની ક્ષમતા 813.14 મિલિયન ઘન મીટર જેટલી છે. આ ક્ષમતા સામે વર્તમાન સમયે ગ્રોસ પાણીનો જથ્થો 728.27 મિલિયન ઘન મીટર છે. જો કે, નદીમાં પાણી છોડવાનું બંધ છે અને ઉપરવાસમાંથી પાણીની આવક પણ ઝીરો ક્યુસેક છે. આ વરસે શિયાળુ વાવેતર માટે ધરોઈ જળાશયમાંથી પાણી પુરું પાડવામાં કોઈ વાંધો આવે તેમ નથી. નર્મદાનાં નીર ધરોઈ ડેમમાં નાખવામાં નહીં આવે તો ઉનાળુ વાવેતર માટે ઘટ પડશે.