મહેસાણા જિલ્લાના દગાવાડિયામાં ગત 16 થી 22, ડિસેમ્બર દરમ્યાન જિજ્ઞેશ દાદા (રાધે રાધે)ની યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં 1 લાખથી વધુ લોકોએ ધર્મવાણી લાભ લીધો હતો.આ જ્ઞાનયજ્ઞના અંતિમ દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓએ યજમાન કનુભાઈ ડાહ્યાભાઈ ચૌધરીના પરિવાર સાથે પલાઠી વાળીને ભાગવત કથાનું રસપાન કર્યું હતું.
કૈલાસ ડેવલપર્સના માલિક કનુભાઈ ચૌધરી (પ્રમુખ ગૃપ-દગાવાડિયા) દ્વારા આયોજીત આ ભાગવત સપ્તાહમાં રાજયના વરિષ્ઠ ઉદ્યોગપતિઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત અસંખ્ય લોકોએ ગીતા જ્ઞાનનો લાભ લીધો હતો.
પૂ.જીજ્ઞેશ દાદા (રાધેરાધે)ના મુખારવિંદથી શ્રીમદ્ ભાગવત કથામાં મહિલાઓએ સાતેય દિવસ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. કૃષ્ણ જન્મોત્સવ, નંદ ઉત્સવ તેમજ રૂક્ષમણી વિવાહ જેવા પ્રસંગો તેમજ રામાયણના રામ-સીતા, લક્ષ્મણ અને હનુમાન સહિતના જીવંત પાત્રોએ ભાવિકોને ડોલાવી દીધા હતા. જયારે રવિવારે અંતિમ દિવસે કથાકાર જીજ્ઞેશદાદાએ સુદામા અને કૃષ્ણની મુલાકાતનું ખુબજ ભાવનાત્મક શબ્દોમાં વર્ણન કરતાં અનેક શ્રધ્ધાળુઓની આંખો ભીની થઈ હતી. જયારે કથા સંપન્ન થઈ ત્યારે અસંખ્ય મહિલાઓ ભાવવિભોર થઈ ચોધાર આંસુએ રડી પડી હતી.દગાવાડિયાના હરિભાઈ ચૌધરીના પરિવાર દ્વારા આયોજીત આ ભાગવત સપ્તાહમાં દગાવાડિયા ગ્રામજનો અને કનુભાઈ ચૌધરીના મિત્રો-સ્વજનોએ અદ્ભૂત વ્યવસ્થા કરી હોવાથી રોજ 12 થી 15 હજાર ભાવિકોને ભોજન પ્રસાદ જમાડવા છતાં ક્યાંય ભીડ કે અવ્યવસ્થા સર્જાઈ ન હતી. જયારે બેઠક વ્યવસ્થામાં પણ મંડપમાં અનેક ઠેકાણે મોટા મોટા સ્ક્રીંન ગોઠવ્યા હોવાથી કથાનો વિશેષ આનંદ ભાવિકોને મળ્યો હતો.