ગાંધીનગર જિલ્લાના માણસામાં આવેલા સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડીમાં કાળીચૌદશના રોજ હવન અને ઘંટાકર્ણવીરનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન ઘંટાકર્ણવીર ઉપર કેસરનો ચઢાવવા ઉપરાંત ધૂપ, ફૂલ, મુગટ અને આભૂષણ પૂજન કરી ભગવાનની દિવ્ય મૂર્તિ પર સોનાનો વરખ ચઢાવાયો હતો.
તેમજ ચમત્કારિક મહામંત્રના 108 જાપ સાથે નાડાછડીમાં શ્રદ્ધાની અતૂટ ગાંઠ બાંધવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મહુડી ગામે આવેલુ તીર્થક્ષેત્ર 2 હજાર વર્ષ જેટલું પ્રાચિન હોવાનું ગણાય છે. હાલના દેરાસર અને ઘંટાકર્ણ મહાવીરના સ્થાપનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1974માં થઈ હતી. તે વખતે નિયમો બનાવ્યા હતા તે મુજબ ઘંટાકર્ણ મહાવીરની રોજેરોજ પૂજા કરવાના બદલે 12 મહિનામાં ફક્ત એકવાર કાળીચૌદશના દિવસે કેસની પૂજા કરવાની પરંપરા ચાલી આવે છે. કાળી ચૌદશના નિમિતે મહુડી તીર્થ ધામમાં ભગવાન ઘંટાકર્ણવીરનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું.
વિશેષ હવનમાં તેમજ ભગવાન ઘંટાકર્ણ મહાવીર દેના દર્શન માટે જૈન-જૈનેતર ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતા. કાળી ચૌદશ નિમિતે મહાવીર ભગવાનનું ધૂપપૂજન, આભૂષણ પૂજન, મુગટ પૂજન, કેસર પૂજન અને ફૂલ પૂજન કરવામાં આવ્યું હતું. વર્ષમાં ફક્ત એક જ વખત થતા પૂજનમાં સૌ પ્રથમ સવારે પાંચ વાગ્યે પદ્મપ્રભુ પ્રક્ષાલન પૂજન કર્યા બાદ છ વાગ્યાથી ઘંટાકર્ણ મહાવીરની પ્રક્ષાલન વિધિ શરૂ થઈ હતી. જે બાદ 12:39ના વિજય મુહૂર્તે મહાવીર સ્વામીના હવન શરૂ કરાયો હતો.
હવનમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ઓમ શ્રી ઘંટાકર્ણના ચમત્કારિક મહામંત્રના 108 જાપ સાથે નાડાછડીમાં શ્રદ્ધાની ગાંઠ મારવાની પરંપરામાં પણ જોડાયા હતા. જેમાં દેશ-વિદેશથી ભક્તો દર્શન માટે ઉમટી પડયાં હતા. હવનમાં પ્રક્ષાલન વિધિ અને આહુતી સમયે લાલ નાડાછડીમાં 108 ગાંઠ મારનારા શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. આ પ્રસંગે જૈન શ્રેષ્ઠીઓ, દાતાઓ અને ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યાં હતા.