- ચરાડા અને લોદરા ગામેથી વિદેશી દારૂ,બિયરનો જથ્થો ઝડપાયો
- વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લાવી તેનો સંગ્રહ કરી તેનું ગેરકાયદે વેચાણ કરતા હતા
- પોલીસે આ ઈસમને તેની પાસેથી દારૂની 11 બોટલો ઝડપી કાર્યવાહી હાથ ધરી
માણસા તાલુકાના લોદરા ગામે રહેણાંકના મકાનમાં સંતાડેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ગાંધીનગર એલસીબી પોલીસે બાતમી આધારે ઝડપી પાડયો હતો તો તાલુકાના ચરાડા ગામની સીમમાં એક ઈસમ વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમી આધારે માણસા પોલીસે આ ઈસમને તેની પાસેથી દારૂની 11 બોટલો ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર LCB ના ASI હરદેવસિંહ, કોન્સ્ટેબલ વિજયકુમાર, કરણસિંહ વિગેરે ગઈકાલે સાંજે માણસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે વખતે તેમને ચોક્કસ પાક્કી બાતમી મળી હતી કે, લોદરા ગામે બાલા હનુમાન વિસ્તારમાં માર્કેટયાર્ડ મકાન નંબર 48 માં રહેતો ધવલ મુકેશભાઈ રાવળ તથા તેનો સાગરિત કિશન ઉફે જીગો મંગાજી ઠાકોર (રહે.રામજી મંદિર વાળો વાસ, રીદ્રોલ, તાલુકો માણસા વાળો) બંને જણા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લાવી તેનો સંગ્રહ કરી તેનું ગેરકાયદે વેચાણ કરે છે જે બાતમી ને આધારે પોલીસે આ જગ્યા પર જઈ જોતા આ મકાન પાસે ધવલના પિતા મુકેશભાઈ હાજર મળી આવ્યા હતા જેમને સાથે રાખી મકાનમાં તલાસી લેતા ફ્રીજમાંથી બિયરના 40 ટીન મળ્યા હતા, તો ઘરની અંદર મુકેલ પીપમાંથી દારૂની બોટલો મળતા પોલીસે 10,965ના દારૂ અને બીયરના ટીન જપ્ત કરી ફરાર બંને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ચરાડા ગામે સીમમાં આજોલ ગામ તરફ્ જતા રોડ પર સરકારી દવાખાનની બાજુમાં એક વ્યક્તિ વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતો હોવાની માણસા પોલીસને બાતમી મળતા હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ, કોન્સ્ટેબલ બળવંતસિંહ, મહેન્દ્રસિંહ વિગેરે બાતમી વાળી જગ્યાએ પહોંચતા આ જગ્યા પર ચરાડા ગામે મોટા ઠાકોરવાસમાં રહેતો સુરેશકુમાર લક્ષ્મણજી ઠાકોર મળ્યો હતો અને તેના હાથમાં રહેલ પ્લાસ્ટિકની બેગની તલાસી લેતા તેમાંથી 3775 રૂ.ના દારૂની 11 બોટલો મળતા પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.