- મહિસાગરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ
- લુણાવાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા
- વરસાદ વરસતા ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી
મહિસાગરમાં જિલ્લામાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે. જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં બે દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટુ પડ્યુ છે, જેના કારણે લોકોએ બફારામાંથી થોડાક અંશે રાહતનો અનુભવ કર્યો છે.
જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હળવુ વરસાદી ઝાપટુ
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા મહિસાગર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો અને તે પછી 2 દિવસનો વિરામ મેઘરાજાએ લીધો હતો અને આજે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હળવુ વરસાદી ઝાપટુ વરસ્યુ હતું. ત્યારે બે દિવસથી ગરમી અને ઉકળાટ વચ્ચે આજે બપોરે હળવુ વરસાદી ઝાપટુ વરસતા વાતાવરણમાં આંશિક ઠંડક થઈ હતી.
જિલ્લામાં સારા વરસાદની સ્થાનિકો જોઈ રહ્યા છે રાહ
જો કે ચિંતાની વાત એ છે કે લાંબા સમયથી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો નથી અને સારા વરસાદની રાહ જોઈને સ્થાનિકો બેઠા છે. કારણ કે જો થોડો સારો વરસાદ વરસે તો ખેડૂતોને પણ રાહત થાય અને પોતાના ખેતરમાં કંઈક પાક થઈ શકે અને આખુ વર્ષ કોઈ તકલીફ ના પડે.
કચ્છના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ
હવામાન વિભાગ તરપથી આવતીકાલે 16 ઓગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહેસાણા, પાટણમાં વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યના દાહોદ, મહીસાગર, વડોદરા, ખેડા, પંચમહાલ, અરવલ્લી, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, બોટાદ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 92 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને મહત્વની વાત એ છે કે રાજ્યમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.