Last Updated:
ભવનાથ ખાતે 22 ફેબ્રુઆરીથી શરૂ થનાર મહાશિવરાત્રી મેળા માટે વિશેષ પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થા યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે કરવામાં આવી છે. જેની માહિતી નીચે જણાવ્યા પ્રમાણે છે.
જૂનાગઢ: ભવનાથની ગીરી તળેટીમાં આદિ અનાદિકાળથી આયોજિત થતો આવતો મહા શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. 5 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં દેશ અને દુનિયામાંથી ભક્તો આવતા હોય છે. ભવનાથ ખાતે આગામી 22 ફેબ્રુઆરીથી શરૂ થનાર મહાશિવરાત્રી મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓના હિતમાં રિક્ષા ભાડાના દર નિયત કરવામાં આવ્યા છે. આ નિર્ણય યાત્રાળુઓને અવાજબી ભાડા અને છેતરપિંડીથી બચાવવા માટે લેવામાં આવ્યો છે.
રિક્ષા ભાડાના નિયત દર (3 પેસેન્જર માટે સંયુક્ત)
- એસ.ટી. ડેપોથી ભવનાથ: રૂ.77
- રેલવે સ્ટેશનથી: રૂ.85
- મજેવડી દરવાજાથી: રૂ.71
- કાળવા ચોકથી: રૂ.67
- દિવાન ચોકથી: રૂ.59
- ઉપરકોટ અને નીચલા દાતારથી: રૂ.61
- સક્કરબાગથી: રૂ.83
- રામનિવાસથી: રૂ.85
- મોતીબાગથી: રૂ.91
- મધુરમ-ટીંબાવાડીથી: રૂ.136
એસ.ટી. બસ સેવામાં વધારો
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ ધ્વારા મહાશિવરાત્રી મેળા-૨૦૨૫ ના એકસ્ટ્રા સંચાલન બુથનું ઉદ્ઘાટન તા.22 ફેબ્રુઆરીના રોજ એસ.ટી. બસ સ્ટેશન ખાતે કરાશે. આ પ્રસંગે જૂનાગઢ એસ.ટી. નિગમના વિભાગીય નિયામક એમ.બી.રાવલ, વિભાગીય પરિવહન અધિકારી એચ.એન.ખાંભલા જૂનાગઢ ડેપોના ડેપો મેનેજર શ્રીવી.એમ.મકવાણા તથા વિવિધ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
કુલ 210 બસો દ્વારા સંચાલન હાથ ધરાશે
બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી 70 મિની બસનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર રૂ.25નું કિફાયતી ભાડું ચુકવી મુસાફરી કરી શકશો. મેળા દરમ્યાન અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર, અમરેલી વગેરે મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોનું પણ એકસ્ટ્રા સંચાલન આ વિભાગની 180 મોટી બસો મુકાશે. તેમજ રાજકોટ, જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની 30 બસો આમ, કુલ 210 બસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવનાર છે. મહત્વનું છે કે, યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસોનું આયોજન કરાયું છે. જેથી મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓએ બસનો લાભ લેવા વિભાગીય નિયામક એસટી જૂનાગઢ દ્વારા યાત્રિકોને અનુરોધ કરાયો હતો. આ સિવાય યાત્રાળુઓને આ નિયત દરોથી વધુ ભાડું ન ચૂકવવા અને કોઈપણ પ્રકારની અનિયમિતતા જણાય તો સંબંધિત અધિકારીઓને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
Junagadh,Gujarat
February 19, 2025 5:01 PM IST