Akhada Tradition In Maha Kumbh 2025: પ્રયાગરાજ મહા કુંભ મેળો 2025: અખાડા હિન્દુ ધર્મમાં સંતો અને સંતોની એક સંસ્થા છે જે ધાર્મિક અને શારીરિક શિસ્તનો સંગમ રજૂ કરે છે. તેની પરંપરાની શરૂઆત આદિ શંકરાચાર્ય દ્વારા 8મી સદીમાં કરાઇ હતી. તે સમયે હિંદુ ધર્મને વિદેશી આક્રમણકારોથી બચાવવા માટે એક લડવૈયાની ટુકડી બનાવવાની જરૂર હતી. અખાડા પ્રથા ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતિક છે. તે ધર્મની રક્ષાની સાથે સાથે સમાજને એકજુટ કરવા અને માર્ગદર્શન આપવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અખાડાના સંતો કુંભ અને મહાકુંભ જેવા મેળામાં જ દુનિયા સમક્ષ આવે છે.
અખાડા શબ્દનો અર્થ
અખાડાનો શાબ્દિક અર્થ કુસ્તીનું મેદાન એવો થાય છે. આદિ શંકરાચાર્યએ તેને એક સંગઠન તરીકે વિકસાવ્યું હતું, જ્યાં સાધુઓને શસ્ત્રો અને શાસ્ત્રો બંને શીખવવામાં આવતા હતા. આ સાધુઓનું જીવન ભૌતિક ઇચ્છાઓથી મુક્ત છે, જેથી તેઓ ધર્મની રક્ષામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી શકે.
અખાડાનો ઇતિહાસ અને સંખ્યા
શરૂઆતમાં માત્ર ચાર અખાડા જ હતા. સમય જતાં, તે સંખ્યા વધીને 13 થઈ ગઈ. હાલમાં અખાડાઓને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે:
શૈવ અખાડા – ભગવાન શિવના ઉપાસકો.વૈષ્ણવ અખાડા – ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોના ઉપાસકોઉદાસીન અખાડા – ઓમ અને ગુરુ નાનક દેવજીના ઉપદેશોને અનુસરે છે.
શૈવ અખાડા : શિવ ભક્તિના કેન્દ્રો
શૈવ સંપ્રદાયના કુલ 7 અખાડા છે:
જુના અખાડા – શૈવ સંપ્રદાયનો સૌથી મોટો અખાડો. તેની સ્થાપના વર્ષ 1145માં કર્ણપ્રયાગ ખાતે કરવામાં આવી હતી.આવાહન અખાડા – ઈ.સ. 547માં સ્થાપના થઇ.અગ્નિ અખાડા – તેમના ઇષ્ટ દેવ ગાયત્રી છે.નિરંજની અખાડા – ઈ.સ. 903માં સ્થપાયેલા તેના સાધુઓ ઉચ્ચ સ્તરનું શિક્ષણ ધરાવે છે.મહાનિર્વાણી અખાડા – ઈ.સ. 748માં સ્થપાયેલા, પ્રમુખ દેવતા કપિલ મુનિ.આનંદ અખાડા – ઈ.સ. 856માં સ્થપાયો હતો.અટલ અખાડા – વારાણસીમાં ઇ.સ. 646માં સ્થાપના કરવામાં આવી હતી.
વૈષ્ણવ અખાડા : વિષ્ણુ ભક્તિનું પ્રતીક
વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ મુખ્ય અખાડા છે:
દિગંબર અખાડા – 500 વર્ષ પહેલા અયોધ્યામાં સ્થાપિત.નિર્મોહી અખાડા – જેની સ્થાપના રામાનંદાચાર્ય દ્વારા 14મી સદીમાં કરવામાં આવી હતી.નિર્વાણી અખાડા – ઈ.સ. 748માં સ્થાપના થઇ હતી.
ઉદાસીન અખાડા : ભક્તિ અને સેવાનો સંગમ
ઉદસીન પંચાયત બડા અખાડા – વર્ષ 1825માં હરિદ્વારમાં સ્થાપના થઈ હતી.ઉદસીન પંચાયત નયા અખાડા – વર્ષ 1846માં હરિદ્વારના કનખલમાં સ્થાપના કરવામાં આવી હતી.નિર્મલ અખાડા – 1862માં બાબા મહેતાબ સિંહ મહારાજ દ્વારા સ્થાપના કરવામાં આવી છે.
અખાડા પરિષદ : સમન્વયનું સંગઠન
અખિલ ભારતીય અખાડા પરિષદ (એબીએપી)ની સ્થાપના 1954માં થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ કુંભ મેળાનું આયોજન અને સંચાલન કરવાનો છે. આ ઉપરાંત અખાડાઓ વચ્ચેના વિવાદોના સંકલન અને નિરાકરણની કામગીરી કરવાનું છે.
આ પરિષદમાં 13 અખાડાઓ હોય છે, અને તેના પ્રમુખની ચૂંટણી તમામ અખાડાઓના સભ્યો દ્વારા મતદાન દ્વારા કરવામાં આવે છે. અધ્યક્ષના કાર્યકાળની મુદ્દત સામાન્ય રીતે 3 થી 6 વર્ષની હોય છે.
અખાડાની વર્તમાન ભૂમિકા
આજના સમયમાં અખાડાઓનું મુખ્ય કાર્ય સમાજમાં ધાર્મિક અને બૌદ્ધિક નેતૃત્વ પ્રદાન કરવાનું છે. તેઓ ધર્મ તેમજ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સુરક્ષામાં સક્રિય ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો | મહા કુંભ 2025 પ્રયાગરાજમાં જોવાલાયક 10 સ્થળો, તમારી યાત્રા બનશે યાદગાર
અખાડા પરંપરાનું મહત્વ
અખાડા પરંપરા માત્ર ધર્મનું રક્ષણ કરવા પૂરતી મર્યાદિત નથી; તે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું અભિન્ન અંગ બની ગયું છે. કુંભ મેળામાં તેમની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે, જ્યાં તેમની ભવ્ય શોભાયાત્રા અને સાધુઓનું શાહી સ્નાન જોવા લાયક છે.