- હિંમતનગરના ડિલર, ઈડરના સબડિલર, કંપનીના સેલ્સ ઓફિસરની સંડોવણી
- પોલીસવડાએ સમગ્ર કૌભાંડ મામલે SITની રચના કરીને તપાસ સોંપી
- 177 ટ્રેક્ટરોની લોન મંજુર કરાવી સૌરાષ્ટ્રમાં ઓછી કિંમતે વેચી માર્યા
સાબરકાંઠાના ઈડર તાલુકાના અલગ અલગ ગામોના ભોળા અને સીધા સાદા ખેડૂતોને સબસીડી કે કોરોનાકાળની સરકારી સહાયની લાલચ આપીને તેમની પાસેથી ખેતીના ઉતારા, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ઉપર સહીઓ કરાવીને તેમના નામે L&T ફાયનાન્સ કંપનીની ટ્રેકટરની લોન મંજૂર કરાવીને ડિલીવરી મળેલા નવા નક્કોર ટ્રેકટરોને પાર્સિંગ કર્યા વગર જ સૌરાષ્ટ્રના રાજકોટ કે અન્ય જિલ્લામાં ઓછી કિંમતે વેચી દીધા અંગેનો ઘટસ્ફોટ ગત 25-09-2022ના રોજ ‘સંદેશ’માં થતા એસપી વિશાલ વાઘેલાએ આ મામલે ઈડર પોલીસને તપાસની સુચના આપતા આખરે ગત રોજ કંપનીના સેલ્સ મેનેજર, એજન્ટો, હિંમતનગરના બોરીયા વિસ્તારમાં આવેલા ટ્રેકટર હાઉસના ડિલર, ઈડરના સબ ડિલર સહિત પાંચ જણા સામે ફાયનાન્સ કંપની સાથે 170 ટ્રેકટરની 8.20 કરોડના લોન કૌભાંડ અને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવાની ફરીયાદ નોંધાઈ છે.
મામલો અતિગંભીર હોવાથી એસપીએ SITની રચના કરી
સમગ્ર સાબરકાંઠામાં ખળભળાટ મચાવનાર 8.20 કરોડના ટ્રેકટરની લોન કૌભાંડ મામલે એસપી વિશાલ વાઘેલાએ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે,જેમાં હિંમતનગરના ડીવાયએસપી સ્મીત ગોહીલના સુપરવિઝન હેઠળ પીઆઈ એ.જી.રાઠોડ, પીએસઆઈ પી.જે.દેસાઈ સહિત એલસીબી સ્ટાફ, ઈડર પીએસઆઈ બી.એમ.પટેલ તેમજ ઈડર પોલીસ સ્ટાફ ખેડૂતોના નિવેદનથી લઈને ટ્રેકટર ડિલર અને આરટીઓ કચેરી સહિત પુરપરછ કરીને સમગ્ર મામલાની ઉંડાણથી તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસ દ્વારા કયા ડિલરોને ત્યાં તપાસ કરવામાં આવશે ?
ટ્રેકટર હાઉસ, રાજવી ટ્રેકટર્સ, રાજ ઓટોમોટીવ, નવનીતલાલ મહેતા (તમામ ડિલર હિંમતનગર)
ટ્રેકટર કૌભાંડમાં કોની કોની સામે ફરીયાદ થઈ ?
એલએન્ડડી ફાયનાન્સ કંપનીના સેલ્સ ઓફિસર પાર્થ મહેશ ચૌધરી (રહે. મુનાઈ, તા. ભિલોડા, જિ.અરવલ્લી), સંજય કાંતીભાઈ ચૌહાણ (રહે.કાવા, તા.ઈડર), સુરેશ પરમાર, હિંમતનગરના ટ્રેકટર હાઉસનો જવાબદાર શખ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની ઈડરના સબડીલર મનુકાકા (મારૂતિ ટ્રેકટર, બારેલા તળાવ, ઈડર) તેમજ તપાસમાં જે પણ મળી આવે તે તમામ શખ્સો
ખેડૂતોની જાણ બહાર લોન કરાવી ટ્રેક્ટરો બારોબર વેચી દેવાયા
ટ્રેકટર કૌભાંડ આચરતી ગેંગ દ્વારા કમીશનની લાલચ આપીને એજન્ટોની ફોજ ઉભી કરીને તેમના વિસ્તારના ભોળા અને સીધા સાદા ખેડૂતોને સહાય આપવાની લાલચ આપીને તેમના પાસેથી આધારકાર્ડ, ખેતીના ઉતારા સહિતના મહત્વના ઓરીજીનલ ડોક્યુમેન્ટ લઈને લોન મંજૂર કરાવીને પછી તે લોનના આધારે કંપનીમાંથી ટ્રેકટર આવી જાય ત્યારે આરટીઓ પાર્સિંગ કર્યા વગર જ સૌરાષ્ટ્રમાં ઓછી કિંમતે પધરાવી દેવામાં આવ્યા હતા.
લોન કૌભાંડની મોડસ ઓપરેન્ડી શું હતી ?
લોન કૌભાંડ આચરતી ગેંગ ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેકટર દીઠ લોન કરવાનું સારુ એવું કમીશન મળશે તેવી લાલચ આપીને સ્થાનિક એજન્ટોની નિમણૂંક કરીને તેમના વિસ્તારના ખેડૂતોને સબસીડી વાળી સરકારી સહાય (લોન), કોરોનાથી ગુજરી ગયેલ પરીવારજનને સરકાર તરફથી મળતી સહાય કે અન્ય કોઈ લાભ મળશે તેમ કહીને તેઓની પાસેથી આધારકાર્ડ, 7-12 અને 8અના ઉતારાની ઓરીજીનલ કોપીઓ લઈને અને લોનના પેપર તૈયાર કરીને તેમના ઉપર ખેડૂતોની સહીઓ કરાવીને ટ્રેકટર આગળ ઉભા રાખીને ફોટા પડાવીને લોન મંજૂર કરીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું.
સમગ્ર ટ્રેકટર કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું ?
નાનાકોટડાના જીગર રમણભાઈએ જણાવ્યુ હતુ કે, કોરોના સમયે તેના પિતાનું અવસાન થતા બાદ સરકાર પાસેથી 50 હજારની સહાય લેવા માટે કાવા ગામનો સંજય ચૌહાણે સહાય આપવાની વાત કરીને તેને ઈડરના બારેલા તળાવ પાસે આવેલા મહેન્દ્ર કંપનીના ટ્રેકટરના શોરૂમમાં લઈ જઈને જરૂરી કાગળો ઉપર સહી કરાવીને એક ટ્રેકટર પાસે ઉભા રખાવીને ફોટો પડાવી લીધો હતો. ત્યારબાદ બે દિવસ બાદ તેના ઉપર લોન કંપનીનો ફોન આવ્યો હતો કે, તમે જે ટ્રેકટર લીધુ છે તેના લોનના કાગળો આવેલા છે જેથી તેના જીજાજી સાથે તે શો રૂમ ઉપર ગયા હતા અને જાણવા મળ્યુ હતુ તેમનું ટ્રેકટરની ડિલીવરી કોઈ બારોબાર લઈ ગયું છે. પછી સંજય ચૌહાણને મળતાં જણાવ્યુ હતુ કે તેમનું ટ્રેકટરને ભાડાકરાર ઉપર રાજકોટ આપી દીધુ છે, અને ભાડામાં તેઓ બારોબાર હપ્તો ભરી દેવાશે. પરંતુ લોનનો હપ્તો ન ભરપાઈ કરતા ફાયનાન્સ કંપનીનો માણસ ઘરે આવી ઉઘરાણી કરતા આખરે સમગ્ર ટ્રેકટર કૌભાંડ સામે આવ્યુ હતું.