- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં નવા લોકસભા અધ્યક્ષ તરીકે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂકશે
- તમામ પક્ષોને વિરોધ વિના સર્વસંમતિથી તેમને ચૂંટવા વિનંતી કરશે
- જો વિપક્ષ પોતાના ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકશે તો ગૃહમાં ચૂંટણી યોજાશે
સરકાર અને વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ વચ્ચે લોકસભા અધ્યક્ષ પદની પસંદગી અંગે સર્વસંમતિના અભાવને કારણે, બુધવારે (26 જૂન, 2024) ગૃહમાં ચૂંટણી યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બુધવારે લોકસભાની કાર્યવાહી શરૂ થશે ત્યારે સૌથી પહેલા એવા નવા ચૂંટાયેલા સાંસદોના નામ કહેવામાં આવશે જેમણે હજુ સુધી સંસદ સભ્યપદના શપથ લીધા નથી.
ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂકશે
આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં નવા લોકસભા અધ્યક્ષ તરીકે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂકશે અને તમામ પક્ષોને વિરોધ વિના સર્વસંમતિથી તેમને ચૂંટવા વિનંતી કરશે.
કેવી રીતે થશે ચૂંટણી?
વિપક્ષ વતી સરકાર દ્વારા કરાયેલી વિનંતીનો સ્વીકાર કરતા કે. સુરેશનું નામ લોકસભા સ્પીકર માટેના ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કરવામાં નહીં આવે તો ઓમ બિરલા લોકસભા સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવશે. જો વિપક્ષ પોતાના ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકશે તો ગૃહમાં ચૂંટણી યોજાશે.
લોકસભા સ્પીકર પદ માટે વોટિંગ થશે
એવું કહેવામાં આવી રહ્યું છે કે જો લોકસભા સ્પીકર પદ માટે વોટિંગ થશે તો આ વોટિંગ સ્લિપ દ્વારા કરાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. લોકસભામાં શપથ ગ્રહણ કરનારા નવા ચૂંટાયેલા સાંસદો મતદાન દ્વારા નક્કી કરશે કે લોકસભાના નવા સ્પીકર કોણ હશે, ઓમ બિરલા કે કે. સુરેશ.
સંખ્યાબળ કોની તરફેણમાં છે?
ગૃહમાં સંખ્યાત્મક તાકાતની વાત કરીએ તો, ઓમ બિરલાને ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનના ઉમેદવાર તરીકે સરળતાથી ચૂંટણી જીતવાનું નિશ્ચિત માનવામાં આવે છે.
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ પણ વિપક્ષી પક્ષોને અપીલ કરી છે કે તેઓ પરંપરા મુજબ સર્વસંમતિથી અને બિનહરીફ લોકસભા અધ્યક્ષની પસંદગી કરે, અને દાવો કર્યો કે સરકાર પાસે પુરતુ સંખ્યાબળ છે.