કચ્છ: રણોત્સવ અને શિયાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છમાં પ્રવાસીઓ ફરવા માટે આવી પહોંચતા હોય છે. લેહ-લદાખની જેમ યુવાનો કચ્છમાં પણ બાઈક રાઈડિંગ કરવા આવતા હોય છે. અમદાવાદમાં બુલેટ અને રોયલ એનફિલ્ડ ધરાવતા યુવાનોનું ગ્રુપ “આર. ડેવિલ ગ્રુપ” કાર્યરત છે. આ ગ્રુપ છેલ્લા 12 વર્ષથી રણોત્સવ દરમિયાન બાઈક રાઈડિંગ કરીને કચ્છના પ્રવાસે આવે છે.
બુલેટ રાઈડથી કચ્છનો પ્રવાસ
અમદાવાદનું ‘આર. ડેવિલ ગ્રુપ’ 2013થી કચ્છ જિલ્લામાં ફરવા અને રણની મજા માણવા કચ્છમાં આવે છે. ‘આર. ડેવિલ ગ્રુપ’ના 25થી 30 જેટલા યુવાનો બુલેટની રાઈડ કરીને કચ્છમાં એકલનો રણ, કાળો ડુંગર, રોડ ટુ હેવન, ધોળાવીરા સહિતના સ્થળોએ ફરવા માટે આવે છે.
“લોકલ 18” સાથે વાત કરતા “આર. ડેવિલ ગૃપ”ના ધ્રુવિલ દવેએ જણાવ્યું હતું કે, “હું છેલ્લા 11 વર્ષથી કચ્છ રણોત્સવ માણવા અમદાવાદથી બુલેટ લઈને આવું છું. આ વર્ષે અમે 25 જેટલા લોકો બુલેટ અને રોયલ એનફિલ્ડ લઈને આવ્યા છીએ. દર વર્ષે અમે આ રીતે 2 ટ્રીપ મારીએ છીએ. 13 ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યે અમે અમદાવાદથી નીકળ્યા હતા. બપોરે દોઢ-બે વાગ્યે અમે ભચાઉ પહોંચી ગયા હતા. અહીં અમે એકલ રણની મજા માણી તથા એકલ માતા મંદિરના દર્શન કર્યા હતા. સાંજે અમે સનસેટ નિહાળીને કેમ્પસાઈટ પર પરત ફર્યા હતા.”
કચ્છના રોડ-બ્રિજમાં ઘણો સુધાર આવ્યો
ધ્રુવિલ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, “હાલ અહીં ઘણો સુધારો થઈ ગયો છે. પહેલા અમે સવારે 6 વાગ્યે ઘરેથી નીકળતા હતા અને સાંજે 6 વાગ્યે કચ્છ પહોંચતા હતા. અહીં રોડ અને બ્રિજ સારા એવા બની ગયા છે. જેથી અમને ફરવાની અને મજા આવે છે. અહીં અમે ત્રણથી ચાર દિવસ કચ્છમાં રોકાઈએ છીએ અને રોડ ટુ હેવન, ધોળાવીરા, કાળો ડુંગર સહિત અનેક જગ્યાએ બુલેટ લઈને ફરીએ છીએ.”
‘આર. ડેવિલ ગૃપ’ સાથે આવેલ બાઈક રાઈડર નીરવ રામીએ જણાવ્યું કે, “તેઓ કચ્છમાં પહેલી વખત આવ્યા છે. અમદાવાદથી નીકળ્યા હતા. જે બાદ તેઓ એકલના રણ પાસે મેરિયા નેચર ઝોનમાં રોકાયા હતા. તેમણે કહ્યું કે, તેઓ પહેલીવાર કચ્છમાં આવ્યા હતા અને તેમનો અનુભવ ખુબ જ સરસ રહ્યો છે અને કચ્છમાં રોડ રસ્તા ખુબ જ સરસ છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર