- કોડીનારના નવાગામે સિંહણનો યુવક પર હુમલો
- આંબાના બગીચામાં સિંહ પરિવારના ધામા
- વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
કોડીનારના નવાગામે સિંહણે યુવક પર હુમલો કર્યો છે. જેમાં આંબાના બગીચામાં સિંહ પરિવારના ધામા છે. ત્યારે યુવકે સિંહણ સાથે બાથ ભીડી જીવ બચાવ્યો છે. સિંહણ અને 3 બચ્ચાનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યુ છે. જેમાં વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
નવાગામે આંબાના બગીચામાં સિંહણ પરિવારના ધામા
ગીર સોમનાથના કોડીનારના નવાગામે આંબાના બગીચામાં સિંહણ પરિવારના ધામા છે. ત્યારે બગીચામાં કામ કરનાર યુવાન પર સિંહણે હુમલો કર્યો છે. તેમાં યુવાનને કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ વન વિભાગ ઘટના સ્થળે પહોચ્યું છે. તથા સિંહણ અને ત્રણ બચ્ચાનું રેસ્કયું કરી અન્ય જગ્યા પર ખસેડાશે. તેમજ યુવાને સિંહણ સાથે બાથ ભીડી જીવ બચાવ્યો છે. તેમાં યુવાનની છાતી પર સિંહણ બેસી હતી જેને હટાવી યુવાને જીવ બચાવ્યો હતો.
ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા
વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે. ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે. પરંતુ હવે સિંહો શહેરી વિસ્તારમાં પણ આવવા લાગ્યા છે. આવી જ એક ઘટના કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપનીમાં બની હતી. વહેલી સવારે સિંહ પરિવાર કંપનીની નોર્થ કોલોનીમાં આવેલા પ્રસિધ્ધ રાધા કૃષ્ણ મંદિરનાં પાછળનાં ભાગે આવી ચડ્યો હતો. તેમાં સિંહ, સિંહણ અને 3 બચ્ચાં સાથે સિંહ પરિવારે અહીં ધામા નાખ્યા હતા.
વનતંત્ર દ્વારા સિંહને સલામત રીતે ખસેડવા રેસ્ક્યુ કર્યું
કોલોનીમાં અને મંદિર પરિસરમાં સિંહ પરિવારનાં આંટાફેરાની ઘટના સિક્યુરિટી ગાર્ડનાં ધ્યાને આવતાની સાથે કંપની દ્વારા તંત્રને જાણ કરતા વનતંત્ર, પોલીસ અને કંપનીનાં સિક્યુરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસરને કોર્ડન કરી લીધો હતો. વનતંત્ર દ્વારા સિંહને સલામત રીતે ખસેડવા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે આ સમગ્ર રેસ્ક્યુ દરમિયાન સિંહ અને સિંહણ મંદિરની દીવાલ ટપી પાછળ ખેતરમાં જતા રહ્યા હતા અને ત્રણેય સિંહ બાળો કોલોનીમાં ઘૂસી જતા વન વિભાગ દ્વારા છ કલાકની સતત જહેમત બાદ બે સિંહ બાળોને નોર્થ કોલોનીમાંથી સલામત રીતે પાંજરે પૂરી અને અન્ય એક સિંહ બાળનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સિંહ પરિવારને કારણે અહીંની કોલોનીમાં ભયનો માહોલ છવાયો હતો.