- ખેડા જિલ્લામાં ગઈકાલે મોડી રાતથી જ સતત વરસાદ
- વધુ વરસાદ વરસવાના કારણે નડિયાદના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા
- પાણી ભરાવાના કારણે માર્કેટની દુકાનો વેપારીઓ દ્વારા ખોલવામાં આવી નથી
સમગ્ર રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ ગઈકાલે મોડી રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં છેલ્લા 12 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે અને વધુ વરસાદ વરસવાના કારણે નડિયાદના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે.
સંતરામ મંદિરની સામે આવેલા ડુમરાલ બજારમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા
નડિયાદ શહેરના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. સંતરામ મંદિરની સામે આવેલા ડુમરાલ બજારમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે માર્કેટની દુકાનો વેપારીઓ દ્વારા ખોલવામાં આવી નથી અને સ્વૈચ્છિક રજા પાડી દેવામાં આવી છે. ત્યારે શહેરમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ રસ્તો પસાર કરવામાં હાલાકી પડી રહી છે.
પેટલાદના ઈસરામાં ગામે મહાકાય વૃક્ષ મકાન ઉપર પડ્યું
પેટલાદના ઈસરામાં ગામે મહાકાય વૃક્ષ મકાન ઉપર પડ્યું છે. ખેતીવાડી સામે આવેલ નવાપુરા વિસ્તારમાં આ બનાવ બન્યો છે. ત્યારે વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે અને વૃક્ષ પડતા મકાનને પણ નુકસાન પહોંચ્યુ છે.
ખંભાતમાં 120 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું
ત્યારે આણંદના ખંભાતના ઉંદેલના સોનારિયા વિસ્તારમાંથી 120 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 60થી વધુ પશુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈન્ચાર્જ પ્રાંત અધિકારી મનીષભાઈ અને ઉંદેલના સરપંચ નવીનસિંહ સોલંકી દ્વારા જહાંગીરપૂર પ્રાથમિક શાળા તેમજ અન્ય સલામત સ્થળોએ નાગરિકોને ખસેડવામાં આવ્યા છે.
રાજ્યમાં સાંજના 4 વાગ્યા સુધી 229 તાલુકામાં વરસાદ વરસ્યો
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સાંજના 4 વાગ્યા સુધી 229 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બોરસદ-વડોદરામાં 10 ઈંચ વરસાદ, આણંદ અને પાદરામાં સવા આઠ ઈંચ વરસાદ, નડિયાદ, ખંભાત અને મોરવાહડફમાં આઠ ઈંચ વરસાદ તો તારાપુર, વસો, નખત્રાણામાં 7 ઈંચથી વધુ વરસાદ અને સોજીત્રા, પેટલાદ, ગોધરામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના 7 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.