- નડિયાદમાં 19 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડામાં જળબંબાકારથી 612ને સ્થળાંતર કરાયાં
- બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 12 ઈંચ વરસાદથી 20 જેટલા ગામો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી
- ખેડા જિલ્લામાં 36 કલાકમાં સરેરાશ 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો
આણંદ જિલ્લામાં રવિવારે મધરાતથી ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો. જ્યારે સોમવારે વહેલી સવારથી જ આઠમના તહેવારને ભીંજવી દેવા માટે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રૂપે મેઘરાજાએ પધરામણી કરી હતી. સોમવારે આઠેય તાલુકામાં જોરદાર ઝાપટાથી માંડીને 12 ઈંચ સુધીનો વરસાદ વરસી પડયો હતો. જેમાં સૌથી વધુ બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 12 ઈંચ વરસાદથી 20 જેટલા ગામો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
અનરાધાર 12 ઈંચ વરસાદથી બોરસદ શહેરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી. સોમવારે આણંદ ખંભાત પેટલાદ અને સોજીત્રામાં પણ પણ ધોધમાર પાંચથી માંડીને 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં સવારે 6 વાગ્યે ચાલુ થયેલો વરસાદ રાત્રે 10 વાગ્યા સુધીમાં 7 ઈંચથી માંડીને 12 ઇંચ વરસી ગયો હતો. ત્યારબાદ પણ ધીમીધારે મેઘમહેર ચાલુ જ રહેતા સમગ્ર જિલ્લામાં વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું હતું. ધોધમાર વરસાદથી આણંદના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં 60થી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. આણંદમાં દાંડી માર્ગ નાપા પાસે, રાસ ધુવારણ, અલારસા રોડ, પામોલ રોડ વિરસદ તળાવ રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહન-વ્યવહારને માઠી અસર થઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આણંદ જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં તારાપુર તાલુકામાં 12 ઈંચ કરતાં વધારે, સોજીત્રા તાલુકામાં 10 ઈંચ જેટલો, ઉમરેઠ તાલુકામાં 07 ઈંચ કરતા વધારે, આણંદ તાલુકામાં 12 ઈંચ કરતા વધારે, પેટલાદ તાલુકામાં 09 ઈંચ કરતાં વધારે, ખંભાત તાલુકામાં 12 ઈંચ કરતાં વધારે, બોરસદ તાલુકામાં 12 ઈંચ કરતાં વધારે અને આંકલાવ તાલુકામાં 06 ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. મંગળવારે આકલાવ તાલુકાના ઉમેટા અને ગંભીરા ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે નાયબ કલેક્ટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતા કલેક્ટરએ ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો હતો કલેક્ટરએ કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારાના ગામોને અસર થવાની સંભાવના છે ત્યારે લોકોને સાવચેત કર્યા હતા અને જરૂર જણાય એ સ્થળાંતર કરવાની સૂચના પણ આપી હતી.
નડિયાદ । નડિયાદમાં આભ ફટયું હતું . છેલ્લા 36 કલાકમાં 19 ઈંચ ઉપરાંત વરસાદ પાડયો હતો. બે દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે નગરમાં જળ બંબાકાર સ્થિતિ સર્જાઇ હતી. શહેરનાના મોટાભાગના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પિલવાઇ તળાવના ઓવરફ્લો પાણીના પ્રવાહમાં ફ્સાયેલા 35 જેટલા પરિવારને NDRFની ટીમે રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડાયા હતા તેમજ નગરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે 150 લોકો ને સ્થાંતર કરાયા હતા.
ખેડા । ખેડા જિલ્લામાં 36 કલાકમાં સરેરાશ 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખેડા અને મહુધામાં દીવાલ પડતા એક એક વ્યકિતના મોત થયા હતા. શેઢી નદી ગાંડીતૂર બની હતી . નદી તટના 10 ઉપરાંત ગામોમાં પાણી ઘુસી ગયા હતા. 612 લોકોને તથા 665 પશુને સ્થળાંતર, 70 રસ્તા બંધ,52 લોકોને રેસ્ક્યૂ અને 125 પશુને રેસ્કયું કરવામાં આવ્યા, 115 ઝાડ પડી ગયા, 30 કાચા પાકા અશંત મકાન પડી ગયા. મહુધાના મહિસામાં તળાવ ઓવરફ્લો થતા 42 લોકોને રેસ્ક્યું, વણાંકબોરીમાંથી 1.85 લાખ ક્યુસેક ઈનફ્લો અને આઉટ ફ્લો થઈ હતી. નડિયાદ એસ.ટી. ડેપોમાંથી 25 ટકા બસનું સંચાલન કરાયું હતું. મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.