હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. જેમાં નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, માતરમાં રાત્રિના સમયથી જ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. ત્યારે આ વરસાદના કારણે અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી.
અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા
ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જેમાં નડિયાદ શહેરમાં 5 ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો. આ વરસાદને લઈને નડિયાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં નડિયાદના તમામ 4 ગરનાળા પાણીમાં ગરકાવ થયા હતા. સાથે જ અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.
વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાના ચાલુ
નડિયાદમાં 5 ઇંચ વરસાદને લઈને પીજરોડ, સંતરામ રોડ, રબારીવાડ, વીકેવી રોડ પર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાથે જ નડિયાદના શાક માર્કેટમાં પણ પાણી ભરાયા હતા જેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પરંતુ વરસાદના વિરામ લીધા બાદ હવે આ અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસર્વાનુ શરૂ થઈ ગયું છે.