ખંભાત શહેર પોલીસ મથકે ગત તા. 17મી નવેમ્બરે ટોળાએ હલ્લાબોલ કરીને એક પોલીસ કર્મીને માર મારીને વાહનોની તોડફોડ કરનાર ચારને ખંભાત પોલીસે ઝડપી પાડયા છે. અને તેમને કાયદાનું ભાન કરાવવા શહેરના મુખ્ય માર્ગ ઉપર જાહેરમાં માફી મંગાવી ફેરવ્યા હતા. અને જેને લઇ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. 17મીએ ખંભાત શહેરના ચગડોળ ગ્રાઉન્ડ પર ચારેક જેટલા કિશોરો દ્વારા પસ્તીમાંથી લાવેલા પુસ્તકો ફાડીને ચગડોળ ઉપરથી હવામાં ઉડાડી રીલ બનાવી હતી. જેમાં એક ધાર્મિક પુસ્તકનો પણ સમાવેશ થતો હોઇ સમગ્ર મામલો ગંભીર બન્યો હતો. ચારેય કિશોરોને પકડીને ખંભાત શહેર પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યાં લઘુમતી સમાજનું ટોળું એકત્ર થયું હતું. અને ચારેય વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરીને હલ્લાબોલ કરી ધમાલ મચાવી હતી.
પોલીસ સ્ટેશન પરિસરમાં પોલીસ કોન્સ્ટેબલ અલ્કેશભાઇને માર મારી તેમના કપડા ફાડી નાંખવામાં આવ્યા હતા અને વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી. જે તે સમયે પોલીસે આ તોફનીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી ન હતી. અને આવી કોઈ જ ઘટના બની ન હોવાની પોલીસ અધિકારીઓ દ્વારા ખુલાસો કરવામાં આવતો હતો. પરંતુ, ક્ષત્રિય એકતા સમિતિ આણંદ દ્વારા જિલ્લા કલેકટરનેઆવેદનપત્ર આપવામાં આવતા જ ગણતરીના કલાકોમાં ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં 6 વ્યક્તિના નામજોગ અને 20થી 25ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. અને ખંભાત શહેર પોલીસે ગણતરીના કલાકોમા ચારની ધરપકડ કરી હતી. અને તેમાં સંડોવાયેલા માજીદ હુસેન ઉર્ફે અકીકવાળો, અશરફ્ભાઈ મલેક સાદીક હુસેન ઉર્ફે ઝુબેર ઉર્ફે ભઠીયારો, ચાંદમિયા શેખ આદિલ હુસેન ઉર્ફે ડટ્ટી રાજુભાઈ શેખ અને વાજીદ મયુદ્દીન વોરાની ધરપકડ કરીને ચારેયને કાયદાના પાઠ ભણાવવા ખંભાત શહેરના ત્રિકોણીય સર્કલથી પાણીયારી સુધી સરઘસ કાઢીને જાહેરમાં માફી મંગાવતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.