નર્મદા જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દોઢ દિવસનો કાર્યક્રમ છે જેને લઇને સરકારી તંત્ર કામે લાગી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોને લઈને અલગ – અલગ 19 ટીમોની રચના કરાઇ છે. આ ઉપરાંત અન્ય જિલ્લાના અધિક કલેકટર, નાયબ કલેક્ટર અને મામલતદારોને અઠવાડિયા પહેલા જ નિમણૂક કરાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા તો તા.28 તારીખે આવશે, પરંતુ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી, એકતા નગર વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બે દિવસનો થઈ રહ્યો છે. તા.30એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવશે અને કેવડિયા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. સાથે અન્ય નવા પ્રકલ્પના ભૂમિપૂજનોના પણ કાર્યક્રમનો આયોજન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાત્રી રોકાણ કેવડિયા થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે, જેને લઇને અત્યારથી જ તંત્ર કામે લાગી ગયું છે.
ગુજરાત સરકાર દ્વારા કાર્યક્રમનો સુચારું આયોજન થાય તે માટે અલગ અલગ 19 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં આ ટીમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર લોકાર્પણ કાર્યક્રમ, લબાસણાના આઈએએસ અધિકારીઓના સંબોધનનો કાર્યક્રમથી લઇ દિવાળીના પૂર્વ સંધ્યાએ નર્મદા ઘાટ પર દીપ પ્રાગટય તેમજ અન્ય કાર્યકમો માટે આ ટીમો બનાવવામાં આવી છે. નર્મદા જિલ્લાના વહીવટી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્રના તમામ અધિકારીઓ કર્મચારીઓ સહિત અન્ય જિલ્લાના 10 અધિક કલેકટર, 17 નાયબ કલેકટર અને 15 મામલતદારની 1 અઠવાડિયા માટે નિમણુંક કરાઈ છે જે તમામ તા.25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી એકતા નગર ખાતે ફરજ બજાવશે. નોંધનીય છે કે, વડાપ્રધાનના આગમને લઈ તંત્રએ રોડ – રસ્તાનું રીપેરીગ કરવાની સાથે જરૂર જણાયા હતા, ત્યાં નવા બનાવી દેવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત સરકારના સ્તરેથી અધિકારીઓને હેડ ક્વોર્ટર નહીં છોડવા માટે કડક સુચના આપવામાં આવી છે. જને લઈ દિવાળીની ઉજવણી કર્મચારી-અધિકારીઓને SOU ખાતે કરવી પડે, તેવું લાગી રહ્યું છે.